રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા
દાહોદના ફતેપુરાથી વેચાણ માટે ગાંજો લાવ્યાની કબૂલાત; કુવાડવા રોડ પરથી એસઓજીએ રૂ. 73,400નો મુદ્દામાલ જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે શહેર એસઓજીને વધુ એક સફળતા મળી છે. કુવાડવા રોડ વિસ્તારમાંથી બે યુવકોને 1.468 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 73,400 કિંમતનો ગાંજો જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે બે શખ્સો ગાંજાનો જથ્થો લઈને કુવાડવા રોડ વિસ્તારમાં પહોંચવાના છે. બાતમીના આધારે ડી-માર્ટથી આગળ આવેલા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી બે શંકાસ્પદ યુવકોને અટકાવી તેમની તપાસ કરતાં તેમની પાસે રહેલો પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓમાં જસદણ તાલુકાના લીલાપર ગામના મૂળ વતની અને હાલ રાજકોટમાં રહેતા આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઈ દેસાણી (ઉ.વ. 32) તેમજ બિહારના છપરા જિલ્લાના પિયુષકુમાર શૈલેન્દ્ર સિંહ (ઉ.વ. 19)નો સમાવેશ થાય છે. બંને મિત્રો હોવાનું અને શહેરમાં છૂટક મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ બે દિવસ અગાઉ દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારમાંથી ગાંજો લાવ્યાની કબૂલાત આપી હતી. પ્રાથમિક તપાસ મુજબ તેઓ આ જથ્થો વેચાણ માટે રાજકોટ લાવ્યા હતા, પરંતુ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ગાંજાના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઓપરેશન શહેર એસઓજીના પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજા, એએસઆઈ સિદ્ધરાજસિંહ જાડેજા તથા ટીમના અન્ય સભ્યોએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
શહેરમાં યુવાનોને નશાના રવાડેથી દૂર રાખવા અને માદક પદાર્થોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા આવા ઓપરેશનો સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે.


