શાપરમાં ખેડૂતની કરોડોની જમીન પર જમાવ્યો કબજો : ભાજપ અગ્રણી સહિત 6 સામે લેન્ડ ગ્રેબિંગ
રહેવા માટે આપેલી થોડી જગ્યાએથી શરૂ થયો કબજાનો ખેલ; 14 ઓરડીઓ બાંધી ભાડાની કમાણી શરૂ કરી
બોરના પાણીનું પણ વેચાણ શરૂ કર્યું, જમીન પરત માંગતા મળી ધમકીઓ ; સેશન્સ કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાં એક ખેડૂત દ્વારા માનવતાના ધોરણે પોતાના મોટા બાપુને રહેવા માટે આપેલી જમીન જ બાદમાં વિવાદનું કારણ બની હોવાનું સામે આવ્યું છે. વર્ષો પહેલાં રહેવા માટે આપવામાં આવેલી જગ્યાને આધારે આખી ખેતીની જમીન પર કબ્જો જમાવી દેવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે શાપર પોલીસે ભાજપ અગ્રણી સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર કચેરીએ અરજી ફગાવી દીધા બાદ સેશન્સ કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ શાપરના વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા 46 વર્ષીય ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટે પોતાના પિતરાઈ ભાઈઓ અને અન્ય સંબંધીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં હિતેશ વાલજી કોરાટ, ઘનશ્યામ વાલજી કોરાટ, અશોક જાદવ કોરાટ, કિશોર જાદવ કોરાટ, જગદીશ નથુ કોરાટ અને નરોત્તમ નથુ કોરાટને આરોપી બનાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર વર્ષ 1997 દરમિયાન હિમાંશુભાઈએ શાપર ગામમાં સર્વે નંબર 158 પૈકીની જમીન ખરીદી હતી. તે સમયે તેમના મોટા બાપુ વાલજીભાઈ પાસે રહેવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી માનવતાના ધોરણે ખેતીની જમીનમાંથી થોડી જગ્યા રહેવા માટે આપી હતી. જોકે આ સહાનુભૂતિનો લાભ ઉઠાવી વર્ષ 2011 બાદ મોટા બાપુના પુત્રોએ જમીનમાં ઘૂસણખોરી શરૂ કરી અને ધીમે ધીમે કબજો જમાવી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂતના જણાવ્યા મુજબ આરોપીઓએ માત્ર રહેવા પૂરતી જગ્યા સુધી મર્યાદિત ન રહી સમગ્ર જમીન પર પોતાનો દબદબો ઉભો કર્યો હતો. ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે 14 જેટલી ઓરડીઓ બાંધી તેને પરપ્રાંતિય મજૂરો અને અન્ય લોકોને ભાડે આપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે દર મહિને અંદાજે 35 હજાર રૂપિયાની આવક થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આક્ષેપો મુજબ આરોપીઓએ ખેતી માટે બનાવવામાં આવેલ બોરવેલ પર પણ કબજો જમાવી લીધો હતો. બોરનું પાણી ખેતી માટે ઉપયોગમાં લેવાના બદલે તેનું વેચાણ શરૂ કરી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પરિણામે જમીનના મૂળ માલિક ખેડૂતને પોતાની જ મિલકતનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
ખેડૂત હિમાંશુભાઈએ વધુમાં આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ તેઓ અથવા તેમના પરિવારના સભ્યો જમીનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્યારે આરોપીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. સતત ભય અને દબાણના માહોલને કારણે ખેતીનું કામકાજ લગભગ બંધ થઈ ગયું હતું. જેના કારણે તેમને પોતાની જમીનને બિનખેતી કરાવવાની ફરજ પડી હતી.
ફરિયાદ મુજબ જમીન સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયામાં પણ અનેક અડચણો ઉભી કરવામાં આવી હતી. આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને સોગંદનામાના આધારે કૌટુંબિક વિવાદ હોવાનું દર્શાવી વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી હતી. કલેક્ટર કચેરી, શહેરી વિકાસ સત્તામંડળ સહિત અન્ય વિભાગોમાં અરજીઓ કરીને જમીનને બિનખેતી કરવાની પ્રક્રિયા અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. અમદાવાદ સુધી રજૂઆતો કરીને જમીન સંબંધિત કામગીરીમાં અવરોધ ઉભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
મામલાની ગંભીરતા ત્યારે વધુ વધી જ્યારે જમીનમાં વીજળીના ગેરકાયદે ઉપયોગનો મુદ્દો પણ સામે આવ્યો. ફરિયાદ અનુસાર આરોપીઓએ ગેરકાયદે વીજ મીટર મેળવી વીજચોરી શરૂ કરી હતી. બાદમાં વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડો પાડી તપાસ કરતાં અનિયમિતતા સામે આવતા અંદાજે 44 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ખેડૂતે વધુમાં જણાવ્યું છે કે ખેતી માટે નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનો પણ કાપી નાખવામાં આવી હતી. ડીઆરએલ સહિત વિવિધ વિભાગોમાં નોંધાયેલા રેકોર્ડ છતાં જમીનનો ઉપયોગ કરવામાં સતત અવરોધ ઉભા કરવામાં આવતા અને ધાકધમકી આપવામાં આવતી હોવાથી આખરે ફેબ્રુઆરી માસ દરમિયાન શાપર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે વર્ષ 2023માં ખેડૂતે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી કરી હતી. જોકે જિલ્લા કલેક્ટર દ્વારા આ વિવાદને કૌટુંબિક વહેંચણીનો પ્રશ્ન ગણાવી અરજી ફગાવી દેવામાં આવી હતી. કલેક્ટરના નિર્ણયથી અસંતુષ્ટ ખેડૂતે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ લેન્ડ ગ્રેબિંગના તત્ત્વો જણાતા ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ શાપર પોલીસે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ કેસમાં રાજકીય પાસું પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મળતી વિગતો અનુસાર આરોપી હિતેશ વાલજી કોરાટના પિતા વાલજીભાઈ સ્થાનિક સ્તરે ભાજપ સાથે સંકળાયેલા અગ્રણી તરીકે ઓળખાતા હતા. હાલમાં હિતેશ કોરાટની પત્ની વિજયાબેન કોરાટ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે. જ્યારે હિતેશ કોરાટ પોતે પણ ભાજપના આગેવાન તરીકે ઓળખાતા હોવાનું જાણવા મળ્યું છે. તેથી લેન્ડ ગ્રેબિંગના આ કેસે રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
હાલ શાપર પોલીસે સેશન્સ કોર્ટના આદેશના આધારે ગુનો નોંધી તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. જમીન પર કબજો, ગેરકાયદે બાંધકામ, ભાડેથી કમાણી, પાણીના વેચાણ, ધાકધમકી અને દસ્તાવેજી ગેરરીતિઓ સહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


