આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો
દેવીપૂજક સમાજના બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ બાદ ચોંકાવનારો વળાંક; 11 ઘાયલ થતા 3 મહિલાઓ સહિત 18ની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના આટકોટ ગામમાં બે દિવસ અગાઉ સગીરાના અપહરણની આશંકાને લઈને થયેલી લોહિયાળ અથડામણમાં હવે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. જે 15 વર્ષની સગીરાના અપહરણની શંકાના આધારે બે પરિવારો વચ્ચે હિંસક સંઘર્ષ સર્જાયો હતો, તે જ સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, આટકોટના નવા બસ સ્ટેન્ડ નજીક એક પરિવારને તેમની સગીર દીકરી ગુમ થયાની અને તેના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. આ શંકાને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં મામલો બેકાબૂ બની જતા બંને પક્ષના લોકો લાકડીઓ, પથ્થરો અને ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
રસ્તા પર થયેલી આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને છરીબાજીના બનાવો બન્યા હતા, જેમાં કુલ 11 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.
જો કે બાદમાં સગીરાની શોધખોળ દરમિયાન સમગ્ર ઘટનાનું મૂળ કારણ સામે આવ્યું હતું. અપહરણ થયાની શંકા જે સગીરા અંગે કરવામાં આવી રહી હતી, તે જસદણની શ્રી હરિ સોસાયટી સ્થિત પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. સગીરાના આ પગલાંથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તાર સ્તબ્ધ બની ગયો હતો.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, સગીરાના ગુમ થવા અંગે થયેલી ગેરસમજ અને આશંકાએ બે પરિવારો વચ્ચે ગંભીર વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ થયેલી અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આટકોટ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મારામારીના કેસમાં પોલીસે બંને પક્ષના 3 મહિલાઓ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી છે. સાથે જ સગીરાના આત્મહત્યાના કારણો અંગે પણ અલગથી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલાની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને સગીરાએ આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગે હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


