જસદણમાં ટ્રાવેલ્સ સંચાલકને રેન્જ આઈજીની ટીમે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો
કાર, મોબાઈલ અને હથિયાર સહિત રૂ.4.60 લાખનો મુદ્દામાલ જપ્ત, હથિયારના સ્ત્રોત અંગે પૂછપરછ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસને ગેરકાયદે હથિયારો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મળી છે. જસદણ વિસ્તારમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી હથિયાર ઉપરાંત કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.4.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીઆઈ અપૂર્વ પટેલની આગેવાનીમાં પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જસદણનો એક યુવક પોતાની કારમાં ગેરકાયદે હથિયાર લઈને ફરી રહ્યો છે અને ગઢપુર ચોકડી તરફથી ગઢડીયા રોડ સ્થિત પોતાના નિવાસસ્થાને જવાનો છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે જસદણ-ગઢડીયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતાં તેને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં બેઠેલા યુવકે પોતાનું નામ ઉદયરાજ દિલીપભાઈ ધાધલ (ઉંમર 22) હોવાનું જણાવ્યું હતું. તે જસદણના મણીનગર વિસ્તારમાં રહે છે અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તેની અંગજડતી કરતાં પેન્ટના નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તરત જ હથિયાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ કાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હવે આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસને તપાસ દરમિયાન વધુ મહત્વની વિગતો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


