સૌરાષ્ટ્ર અને કચ્છની જમીનમાં લોહ-ઝીંકની ઉણપ
રાજકોટ સહિત 34 જિલ્લામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત નવ તત્વોની ખામી: તત્વોના સંતુલન માટે રાસાયણિક સહિત જૈવિક ખાતરનો ઉપયોગ કરવા નિષ્ણાંતોની સલાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર – કચ્છ, ઉત્તર, મધ્ય – મધ્ય પૂર્વ અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં મળી 1.24 કરોડ હેક્ટર જેટલી ખેતીલાયક જમીનમાંથી લગભગ 86 લાખ હે. માં રાસાયણિક ખાતરથી અને લગભગ 3 લાખ હેક્ટરમાં પ્રાકૃતિક ખાતરના ઉપયોગથી ખેતી થાય છે. જ્યારે 35 લાખ હેકટરમાં આંબો, નારિયેળી જેવા બારમાસી પાક તેમજ અન્ય પડતર જમીનનો સમાવેશ થાય છે. રાસાયણિક અને પ્રાકૃતિક અેમ બંને પ્રકારમાં ખરીફ સિઝન માટે જમીનને અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં લોહ અને ઝીંક, ઉત્તર ઝોનમાં સોડિયમ કાર્બોનેટ, ફોસ્ફરસ્ની ઊણપ છે, એટલું જ નહીં અરવલ્લી અને સાબરકાંઠા પંથકમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઓછું છે. દક્ષિણ ઝોનમાં નાઇટ્રોજન, સલ્ફર, ઝીંક અને લોહતત્વની ખામી જોવા મળે છે. જ્યારે મધ્ય – મધ્ય પૂર્વ ઝોનમાં જમીનમાં નાઇટ્રોજન, ઝીંક અને સલ્ફરની કમી જોવા મળે છે. આવી સ્થિતિમાં ખરીફ વાવેતર પહેલાં જમીનનું પરીક્ષણ કરાવી તત્ત્વોના સંતુલન માટે રાસાયણિક સહિત જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઇએ.
પ્રાકૃતિક ખેતી માટે જમીનને તૈયાર કરવાની રીત
- ઉત્તર ઝોન: જમીનનું બંધારણ સુધારવા, ભેજશક્તિ વધારવા છેલ્લી ખેડ વખતે વીઘે ટન પ્રમાણે દેશી ગાયના છાણમાંથી બનેલું ઘનજીવામૃત કે પછી સારી રીતે સડેલું કમ્પોસ્ટ ખાતર જમીનમાં ભેળવવું. શણ અથવા ઇકડના પાકને રોટોવેટરથી જમીનમાં દબાવી દેવા.જેથી નાઇટ્રોજનનું પ્રમાણ કુદરતી રીતે વધશે. વાવણી વખતે પાયામાં બીજામૃતનો પટ આપીને જ વાવણી કરવી.
- મધ્ય ઝોન: આ વિસ્તારની ગોરાડુ જમીનમાં ઝીંક અને સલ્ફરની વધુ ઊણપ હોવાથી ઓર્ગોનિક કાર્બન વધારવા ખેડ વખતે ઘનજીવામૃત અને અળસિયાનું ખાતર આપવું. જમીનજન્ય રોગો અટકાવવા લીંબોડી, દીવેલા કે એરંડાનો ખોળ પાયામાં આપવો. કોઇ ખેડૂત પૂરક તરીકે મરઘાના ખાતરનો ઉપયોગ કરી શકે છે.
2 સૌરાષ્ટ્ર કચ્છ ઝોન: જમીનમાં ભેજ લાંબો સમય ટકે તે માટે અગાઉના પાકું પરાળ, સૂકા પાંદડાનું આચ્છાદન કરવું. તેમજ વાવણી પહેલાં અથવા વાવણી સાથે જ જમીનમાં ગાયનું મૂત્ર, છાણ, ગોળ, ચણાનો લોટ અને વડ નીચેની માટીનું મિશ્રણ આપવું. વાવણી સમયે ગળતિયા ખાતર સાથે ટ્રાયકોડમાં હરજીયાનમ જેવા મિત્ર ફૂગના કલ્ચરને ભેળવવાથી સડો નહીં થાય.
4 દક્ષિણ ઝોન: દક્ષિણમાં વધુ વરસાદ પડતો હોવાથી પાકના મૂળ સડે નહીં તે માટે વાવણી પહેલાં ખેતરની ફરતે મજબૂત પાળા બનાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પંથકની જમીન ભારે હોવાથી બહુ વહેલી ખેડ કરવાના બદલે જમીન વરાપ પર આવે ત્યારે જ ખેડ કરવાથી જમીનનાં ઢેફાં ભાગી જશે.


