શહેરને હરિયાળુ અને સ્વચ્છ રાખવા નગરસેવકોને માર્ગદર્શન અપાયું
મનપા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યશાળા યોજાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
“વિશ્વ પર્યાવરણ દિવસ”(5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, હરિત અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત નવનિયુક્ત જનપ્રતિનિધિઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત નિયમો, જવાબદારીઓ તથા જનજાગૃતિના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવા માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળા આજે તા. 5 જૂનના રોજ પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમમાં મેયર ડૉ. નેહલ શુક્લ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ સ્વચ્છતા અને પર્યાવરણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં અમદાવાદની CEPT કોલેજના પ્રોફેસરશ્રી સિદ્ધ દોશી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા તથા તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ નવનિયુક્ત જનપ્રતિનિધિઓને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬ આ અંગે માહિતગાર કરવાનો તેમજ શહેરમાં કચરા વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા માટે તેની ભૂમિકાને મજબૂત કરવાનો હતો. જનપ્રતિનિધિઓ પોતાના વોર્ડ અને વિસ્તારના નાગરિકો સુધી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અસરકારક રીતે પહોંચાડી શકે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“વિશ્વ પર્યાવરણ દિવસ”ના અવસરે યોજાયેલી આ કાર્યશાળા દ્વારા સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા વિશ્વાસ વ્યક્ત કરે છે કે, જનપ્રતિનિધિઓના સક્રિય સહયોગથી શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને નવી ગતિ મળશે અને *“સ્વચ્છ રાજકોટ – હરિત રાજકોટ”*ના સંકલ્પને વધુ બળ મળશે.


