કોર્પોરેટરો ફરી ફિલ્ડમાં, તમામ વોર્ડમાં કચરો એકત્ર કરવા ઉકરડા ફિંદયા
તા.૧૪મી સુધી પ્લાસ્ટીક વેસ્ટ કલેશન ઝુંબેશનો પ્રારંભ : વિવિધ સ્થળોની મુલાકાત લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “સ્વચ્છ ભારત વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા, રાજ્યમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ વધારવા સ્વચ્છ ભારત મિશન – અર્બન ગુજરાત દ્વારા “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટીક ફ્રી ગુજરાત” ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ / નગરપાલિકાઓમાં તા.૦૮/૦૬/૨૦૨૬ થી તા.૧૪/૦૬/૨૦૨૬ દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે સાઇન ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.
આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ ૧૮ વોર્ડ વિસ્તારોમાં વ્યાપક સફાઈ ઝુંબેશ અને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બગીચાઓ, બજાર વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારો, રહેણાંક વિસ્તારો તેમજ અન્ય જાહેર સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ મળીને જાહેર સ્થળોએ પડેલા પ્લાસ્ટિકના કચરાનું સંગ્રહ કાર્ય હાથ ધરી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો હતો.
ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી પર્યાવરણીય હાનિ, પ્લાસ્ટિક કચરાના કારણે સર્જાતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ તેમજ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલના મહત્વ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં લોકોને કાપડની થેલીનો ઉપયોગ કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને ઘરઆંગણે જ કચરાનું ભીનું-સૂકું વર્ગીકરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન, સફાઈ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રેલી, શપથવિધિ કાર્યક્રમો અને સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો અને પ્લાસ્ટિકમુક્ત શહેરના નિર્માણ માટે સહભાગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


