દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર ૨૪ કલાકમાં બીજો બનાવ
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
આઇસરે કારને હડફેટે લેતા સર્જાયેલો જીવલેણ બનાવ : અન્ય આઠ લોકોને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : પરિવારમાં આક્રંદ
અગ્ર ગુજરાત, વડોદરા

સ્પીડના શોખીનો માટે આશીર્વાદરૂપ ગણાતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હવે વાહનચાલકો માટે જાણે ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. કરજણ નજીકથી પસાર થતા આ એક્સપ્રેસવે પર વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં સેલવાસના એક જ પરિવારના 11 સભ્યોમાંથી 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 3થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ પરિવાર રાજસ્થાન સ્થિત ખાટું શ્યામના દર્શન કરવા માટે ભક્તિભાવ સાથે નીકળ્યો હતો પરંતુ, કરજણ પાસે કાળ તેમને આંબી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ સેલવાસનો પરિવાર કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાની ગાડી હાઈવેની સાઈડમાં પાર્ક કરી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા આઈસર ટ્રકના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો રીતસરનો કુરચો બોલી ગયો હતો. ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ ઘટના અંગે જણાવતા મૃતકના પરિવારજન દર્શનભાઈએ કહ્યું કે, “હું વાપીનો રહેવાસી છું અને મૃતક મારા ભાઈ હતા (કાકાનો દીકરો), તેમનો આખો પરિવાર અર્ટિગા ગાડીમાં હતો, જેમાં સાત પુરુષો અને ત્રણ-ચાર બાળકો હતા. તેઓ સેલવાસથી રાજસ્થાન ખાટું શ્યામ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. તો રસ્તામાં ભરૂચમાં જ તેમનો… ભરૂચથી આગળ વડોદરા આસપાસ તેમનો અકસ્માત થયો છે. અકસ્માત એવી રીતે થયો કે ગાડી… તેમની ગાડીમાંથી અવાજ આવી રહ્યો હતો, તો અવાજના કારણે તેમણે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી, જે આખી સફેદ પટ્ટી આવે છે તેની બાજુમાં તેમણે ગાડી લગાવી અને ચેક કર્યું કે ગાડીમાં શું અવાજ આવી રહ્યો છે. એટલે બધા પુરુષો નીચે ઉતર્યા અને મહિલાઓ બધી અંદર જ હતી.
પુરુષો બધા બહાર ઊભા હતા, ત્યારે પાછળથી એક આઈસર (ટાટા કંપનીનું આઈસર) આવ્યું અને તેણે ટક્કર મારીને બધાને ફંગોળી દીધા અને તે આગળ નીકળી ગયો. આગળ જઈને તે વાહન રોકાયેલું છે, તો તેના ફોટા અને વીડિયો બધું અમે લીધેલું છે. તેમાં મારા માસી હતા, મારો નાનો ભાઈ હતો અને મારા મામાનો દીકરો હતો, તેઓ એક્સપાયર (મૃત્યુ પામ્યા) થઈ ગયા છે. અને જે બાકી બચેલા ચાર-પાંચ જણા અને નાના બાળકો છે, તેમને ઈજાઓ થઈ છે; કોઈને હાથમાં, કોઈને પગમાં, કોઈનો હાથ તૂટ્યો છે તો કોઈનો પગ તૂટ્યો છે. એ બધાને સારવાર માટે અમે અહીં વડોદરાની હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ રાત્રે બે વાગ્યાથી અને તેમાંથી અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, બાકીના બધા ઠીક છે.”
મૃતકોના નામ
- વિશાલ બાલુ દેવરે (રહે. સ્ત્રી રેસીડેન્સી, ભુરફુડ ફળિયું, સેલવાસ, તા.જી. દાદરાનગર હવેલી)
- વંદનાબાઇ બાલુ દેવરે (રહે. સ્ત્રી રેસીડેન્સી, ભુરકુડ ફળિયું, સેલવાસ, તા.જી. દાદરાનગર હવેલી)
- પ્રમોદભાઇ ભાઇદાસ પાટીલ (રહે. પીપરી, તા. પારોરા, જી. જલગાંવ)


