ખીજડીયા પ્રાથમિક શાળાના ૧૫૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી
ગીર ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
૫ જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ગીર ફાઉન્ડેશન (GEER Foundation) દ્વારા રાજકોટ તાલુકાની સરકારી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઉનાળુ વેકેશનમાં શાળાઓ બંધ હોય છે, પરંતુ આ સરકારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વેકેશનના મૂડને બાજુ પર મૂકી પ્રકૃતિ પ્રત્યેનો અદભુત પ્રેમ અને સમર્પણ દાખવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન તરફથી ભાવેશભાઈ ત્રિવેદી, શાળાના આચાર્ય રામદેવસિંહ જાડેજા, તેમજ શિક્ષક મયુરભાઈ કાકરેચા અને શ્રી શૈલેષભાઈ જાગાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેરણાદાયી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના ૧૫૭ જેટલા વિદ્યાર્થીઓએ વેકેશન હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહીને પર્યાવરણ બચાવવાના આ મહાયજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણના જતન, વૃક્ષોના ઉછેર અને પ્લાસ્ટિક મુક્તિ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના ઉત્સાહી બાળકો અને સ્ટાફ દ્વારા ગામની ગલીઓમાં પર્યાવરણ જાગૃતિ અર્થે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીની સાથે-સાથે બાળકો દ્વારા ગામમાંથી પ્લાસ્ટિક એકત્રિત (કલેક્શન) કરીને ગ્રામજનોને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિનો શ્રેષ્ઠ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે હાજર તમામ ૧૫૭ વિદ્યાર્થીઓને ગીર ફાઉન્ડેશન તરફથી વૃક્ષ આપવામાં આવ્યા હતા અને શાળાના હરિયાળા પ્રાગણમાં મહાનુભાવો તથા બાળકોના હાથે સામૂહિક વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની રક્ષાના શપથ લેવાયા હતા.


