જિલ્લા પંચાયતના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતુ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
ચૂંટણી, વસ્તી ગણતરી, ફલડ સહિતની સોંપાતિ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામંતભાઈ બાંભવા તેમજ કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા સ્નેહસભર શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત માત્ર ઔપચારિક શુભેચ્છા સુધી મર્યાદિત ન રહી, પરંતુ રાજકોટ જિલ્લાના શિક્ષણક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શિક્ષક સમાજ અને જિલ્લા પંચાયત વચ્ચે સકારાત્મક સંકલન અને સહકારનો એક શક્તિશાળી સંદેશ આપતી ઐતિહાસિક મુલાકાત બની રહી હતી.
જિલ્લા પંચાયતના નવા નેતૃત્વને ભવ્ય જનસમર્થન સાથે પ્રાપ્ત થયેલી જીત સમગ્ર જિલ્લાના લોકવિશ્વાસનું પ્રતિબિંબ હોવાનું જણાવતાં મહાસંઘના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ રાજકોટ જિલ્લાને શિક્ષણ, ગ્રામ વિકાસ, આરોગ્ય, પાણી, માર્ગ અને જનકલ્યાણની વિવિધ સેવાઓમાં નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન શિક્ષણક્ષેત્રે હાલની પરિસ્થિતિ, શિક્ષકો પર વધતી બિનશૈક્ષણિક ફરજો, વસ્તી ગણતરી, વસ્તી ગણતરીમાં ઓન ડ્યુટી આપવા, ચૂંટણી, સર્વે, પૂર, ફ્લડ કંટ્રોલમાંથી મુક્તિ આપવા અનેક કામગીરી વચ્ચે પણ શિક્ષકો દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવતી શૈક્ષણિક જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષકોને શિક્ષણકાર્ય માટે વધુ અનુકૂળ વાતાવરણ મળે, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને વિદ્યાર્થીઓના હિતમાં વધુ અસરકારક કામગીરી થઈ શકે તે માટે જિલ્લા પંચાયત અને શિક્ષક સંગઠન વચ્ચે સતત સંવાદ અને સંકલનની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સંગઠન હંમેશા રચનાત્મક અભિગમ સાથે શિક્ષક હિત, વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ, ડિજિટલ શિક્ષણ, શાળાઓના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય રહ્યું છે અને આગળ પણ રહેશે. રાજકોટ જિલ્લાને સમગ્ર રાજ્યમાં શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે જિલ્લા પંચાયત સાથે સહકારથી કાર્ય કરવાની સંપૂર્ણ તત્પરતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓને સંગઠન તરફથી “બુકે નહીં બુક” અભિયાન અંતર્ગત પુસ્તકો, સંગઠન કેલેન્ડર, પુષ્પમાળા તથા “મારી શાળા મારું તીર્થ” પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અનોખા સન્માન દ્વારા જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોને પ્રાથમિકતા આપતો એક પ્રેરણાદાયક સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન સંજયભાઈ હુંબલ, રામલાલભાઈ શિંગાળા, જીતેન્દ્રભાઈ મહેતા, વિમલભાઈ ઉધાસ, દીપકભાઈ નાગ્રેચા, કેતનભાઈ નકુમ, મનીષભાઈ ચાવડા તથા સાગરભાઈ પોપટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.


