શ્રી ખોડલધામ ટ્રસ્ટની ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
ત્રણ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્થિતમાં થયેલા શોમાં પ૦થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજના ૧પથી વધુ વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યાઃ પાટીદાર સમાજે ઉમળકાભેર શો વધાવી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ‘બ્રોડવે’ મેગા સ્ટેજ શો ‘અસરદાર પાટીદાર’નો પ્રિમિયર શો શનિવાર અને છઠ્ઠી જૂને રાજકોટ ખાતે યોજાયો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલા આ શોમાં પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.
નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ ઉપરાંત ગુજરાતના ત્રણ હજારથી વધુ ખાસ આમંત્રિતની હાજરીમાં થયેલા આ શોમાં પચાસથી વધુ કલાકારોએ પાટીદાર સમાજના ૧પ વિરલ વ્યક્તિત્વના જીવનને રજૂ કર્યુ હતું તો સાથોસાથ શોમાં પાટીદાર સમાજના મૂળ અને કૂળની વાત પણ કરવામાં આવી હતી. રાજકીય અને સામાજિક આગેવાનો સહિત પાટીદાર સમાજના અનેકાનેક ખ્યાતનામ અને અગ્રણીઓ દ્વારા પ્રસ્તુત શોની વધાવી લેવામાં આવ્યો હતો. કલ્પનાથી પણ ચડિયાતું જીવન જીવી પાટીદાર સમાજને ગૌરવ અપાવી જનારા પાટીદાર-વીરોની વાત કહેતાં ‘અસરદાર પાટીદાર’ માટે સૌ કોઈએ એક સૂરમાં કહ્યું હતું કે આજના સમયમાં આ શો સમાજ અને ગુજરાત માટે અત્યંત અનિવાર્ય હતો.
ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ છે, જેમાં સમાવવામાં આવેલી પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓની પસંદગી અને તેમના જીવનની અતરંગ વાતો માટે છેલ્લા દોઢ વર્ષથી રીસર્ચ ચાલતું હતું, જેમાં ૩૦૦૦થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના પ્રકાશભાઈ પટેલ, આશિષ વેકરિયા અને મનિષ પટેલે સંભાળી હતી. શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના પ્રકાશભાઈ પટેલ કહે છે, ‘અમારી મહેનત અને અમારી પ્રેરણા એવા નરેશભાઈ પટેલના વિશ્વાસ સાર્થક થયાની અમને ખુશી છે. અમારી ઈચ્છા છે કે જ્યાં-જ્યાં પાટીદાર છે ત્યાં-ત્યાં આ શો પહોંચે અને પાટીદાર વિભૂતીઓની વાતો નવી જનરેશન સુધી પહોંચે અને સાથોસાથ લોકો પોતાની ઘરસભામાં પાટીદાર વિભૂતીની વાત કરે, લેખક-કવિઓ પાટીદાર વિભૂતીઓને પોતાના રચનામાં, સાહિત્યમાં સમાવેશ કરે, વિદ્યાર્થીઓ પાટીદાર વીરો વિશે વધારે રીસર્ચ કરે જેથી સમાજના એ શૌર્ય અને પરંપરાની જે વાતો ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગઈ હતી એ ફરીથી સૌની સમક્ષ આવે.’
ઐતિહાસિક તથ્યો અને અત્યાધુનિક LED ટેકનોલોજીના સમન્વય સાથે આ શોમાં પાટીદારો કઈ રીતે માઇગ્રેટ થઈને ગુજરાત પહોંચ્યાથી લઈને સરદાર પટેલે પાટીદાર સમાજ પાસેથી શું અપેક્ષા રાખી હતી એની વાત કહેવામાં આવી છે. પ્રિમિયર શો દરમ્યાન સેન્ડબેરી પાર્ટી પ્લોટમાં ઊભા કરવામાં આવેલા ‘કણબીયત’ સેલ્ફી ઝોને પણ જબરદસ્ત આકર્ષણ જન્માવ્યું હતું તો પાટીદાર સમાજના ગુણો વર્ણવતાં ‘અસરદાર પાટીદાર’ શોની એન્થમે પ્રિમિયર પહેલેથી જ સોશિયલ મીડિયા પર એટ્રેકશન ઊભું કરી દીધું હતું.
‘અસરદાર પાટીદાર’ શોમાં પાટીદાર સમાજના પાળીયા તરીકે પૂજાતા શૂરવીરોથી લઈને દેશ અને સમાજમાં શિરોમણી સમાન રાજા-રજવાડાંઓ, સમગ્ર વિશ્વને અધ્યાત્મનો નવો રાહ ચીંધનારા સાધુ-સંતો, દેશના સ્વતંત્ર-સંગ્રામમાં જીવ રેડનારા લડવૈયા, આદર્શ નારીઓ, ક્રાંતિકારી પાટીદાર આગેવાનો અને સમસ્ત સમાજને એક છત નીચે જોનારા સ્વપ્નદ્રષ્ટતા એવા પાટીદારોની વાત કહેવામાં આવી છે.
યુરોપ અને અમેરિકામાં થતાં બ્રોડવે શોનો સ્ટડી કર્યા પછી તૈયાર થયેલા ‘અસરદાર પાટીદાર’ના ક્રીએટિવ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જીતુ બાંધણિયા કહે છે, ‘પાટીદાર એટલે માત્ર ખેડૂત, ઉદ્યોગપતિ કે એનઆરઆઇ નહીં પણ પાટીદાર એટલે સમાજની એકેએક ધરામાં પ્રદાન કરનારું વ્યક્તિત્વ. આ વાત શોના કેન્દ્ર-સ્થાનમાં છે અને આ જ હકીકત છે. પણ કમનસીબે ઇતિહાસની એ વાતો ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગઈ એટલે જ અમે ‘અસરદાર પાટીદાર’ દ્વારા એને ફરીથી પ્રકાશમાં લાવવાનું કામ કર્યુ.’
પાટીદારના ભવ્ય અને ભાતિગળ ઇતિહાસને લોકો સમક્ષ મૂકવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે પણ રેસ-અગેઇન્સ્ટ-ધી ટાઇમની ફોર્મ્યુલા પર માત્ર માત્ર ત્રીસ દિવસમાં આખો શો તૈયાર કરવામાં આવ્યો, જેણે દર્શકોના દિલ જીતી લીધા.
લેખક રશ્મિન શાહ દ્વારા લખાયેલા આ શોના ગીતો પણ રશ્મિન શાહે લખ્યા છે, જે ગીતો ફિલ્મ ‘પુષ્પા’નું સુપરહિટ ટાઇટલ સૉન્ગ ગાનારા નકાશ અઝિઝ અને ગુજરાતના પોપ્યુલર સિંગર ઉર્વશી રાદડિયાએ ગાયા છે. ‘અસરદાર પાટીદાર’નું ડિરેકશન રંગભૂમિના જાણીતા ડિરેક્ટર પરમેશ્વર સિરસીકર કર્યુ છે તો સમગ્ર શોને એક તાંતણે બાંધીને રજૂ કરવાની જવાબદારી જાણીતા લોકકલાકાર તેજસ પટેલે નિભાવે છે.
‘અસરદાર પાટીદાર’ શો દરેકેદરેક પાટીદાર સુધી પહોંચે એ પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર આગેવાનોની જવાબદારી છે અને આ જવાબદારી આગેવાનોએ સુપેરે ઉપાડી લીધી છે.
શોમાં કોનો-કોનો સમાવેશ થયો છે?
‘અસરદાર પાટીદાર’માં પાટીદાર કેવી રીતે ગુજરાતમાં આવ્યા અને કેવી રીતે ગુજરાતમાં પ્રસરી ગયા એની વાત કહેવામાં આવી છે તો સાથોસાથ શોમાં સમાજના આગેવાન એવા રામજી પટેલથી લઈને વરસનદાસ પટેલની વાત પણ કહેવામાં આવી છે. આ ઉપરાંત ‘અસરદાર પાટીદાર’માં કચ્છના પાટીદાર શૂરવીર હરદાસ લિંબાણી, ગોઝારિયા ગામના જનક એવા નારણભાઈ પટેલ, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના વિરાટ ગુરુ એવા પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ગુરુકળના જનક એવા ધર્મજીવનદાસજીથી લઈને અક્રમ વિજ્ઞાન અને ત્રી-મંદિરના પ્રણેતા આંબાલાલ પટેલ, આંદામાનની જેલમાં આઝાદી માટે જીવ આપનારા પ્રથમ ગુજરાતી એવા પાટીદાર સેનાની ગરબડદાસ મુખી, દેશ માટે પોતાનું રાજ આપનારા ગોપાળદાસ પટેલ સહિતના અનેક પાટીદાર વિરલાઓની વાત કહેવામાં આવી છે.
અસરદાર પાટીદાર’ દ્વારા કયા-કયા પ્રશ્નોના જવાબ મળે છે?
૧. પાટીદારોનું મૂળ અને કૂળ ક્યાંના?
૨. રાજકોટમાં આવેલી ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર રેલ્વે સ્ટેશન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ અને પાટીદારને શો સંબંધ છે?
૩. પાટીદારોના નામ પાછળ પણ સિંહ અને દરબાર કેમ લાગતાં?
૪. ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી શું કામ?
પ. સરદાર વલ્લભભાઈ પટેલમાં રહેલી મક્કમતા પાછળનું કારણ શું?
આપણો વારસો રજૂ કરવો તે જવાબદારીનું કામ
‘અસરદાર પાટીદાર’ શોમાં જેમની વાતો કહેવાય છે એ વાતો શોધવામાં, વાતો સાથે જોડાયેલા તથ્યો શોધવામાં જે જહેમત લેવામાં આવી છે એ ખરેખર ગર્વની વાત છે. આપણા સમાજનો આ વારસો લોકો સમક્ષ રજૂ કરવો એ જવાબદારીનું કામ છે અને જવાબદારીનું આ કામ ખોડલાધામની શિક્ષણ સમિતીએ શ્રેષ્ઠ રીતે પાર પાડ્યું છે.- શ્રી નરેશભાઈ પટેલ (ચેરમેન, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ)
શો આજના સમયની અનિવાર્યતા
કાળા પાણીની સજાની વાત આવે ત્યારે મનમાં પહેલું નામ વીર સાવરકર આવે, પણ આ શો દ્વારા ગરબડદાસ મુખીને સાચો ન્યાય મળ્યો. પાટીદાર સમાજના ગરબડદાસ મુખી પહેલાં ગુજરાતી હતા, જેણે આંદામાનની જેલમાં આઝાદી માટે જીવ આપ્યો, ખરેખર સમાજ માટે બહુ મોટી અને ગર્વની વાત છે. ‘અસરદાર પાટીદાર’ શો આજના સમયની અનિવાર્યતા હતી, જે ખોડલધામે પૂરી કરી. પરષોત્તમ રૂપાલા (સંસદસભ્ય, રાજકોટ)


