જર્જરીત હાઉસિંગ બોર્ડ આવાસના રહીશો પર તોળાતું તંત્રનું જોખમ
ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ
પાંચ દિવસમાં ખાલી નહી કરનાર આસામીઓના પાણી અને વિજળીના કનેકશન કાપી નાખવાની ચેતવણી : વરસાદી મોસમ આવતા જ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગેલુ તંત્ર
ટેકનીકલ તપાસ અને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપી ઇમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ૭૦૦૦થી વધારે ગુજરાત હાઉસિંગના આસામીઓને આવાસ ખાલી કરવા અથવા રિનોવેશન કરવા માટેની નોટીસ ફટકારી હતી. અતિ જર્જરીત થયેલા આવાસો અંગે ફરિયાદો અને રિપોર્ટ આવતા કાર્યવાહી કરાઇ હતી. ત્યારે ચોમાસુ નજીક આવતા રાજકોટના ૭૯૨ આવાસ ધારકોને પાણી અને વિજળીના કનેકશન કાપવાની નોટીસ ફટકારતા આવાસ ધારકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 792 જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી જર્જરિત છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્રએ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપીને આ આખી ઇમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ રિપોર્ટ આટલો જ ગંભીર હતો, તો તંત્ર આખું વર્ષ કેમ ઊંઘતું રહ્યું?
ચોમાસાની વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આશરાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ તેમને પાણી અને વીજળી વિના ટળવળતા કરીને ઘરમાંથી કાઢી મૂકવાની આ કામગીરી કેટલી યોગ્ય છે. સ્થળ પર માત્ર ભયજનક મિલકતના બોર્ડ મારી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂરી થઈ જતી નથી. સ્થાનિકોમાં પણ સરમુખત્યારશાહી જેવા તંત્રના આ વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં આવી રીતે કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માનવાનું કામ કરે છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી રહેતા અનેક ગરીબ પરિવારોએ તંત્રના ભરોસે બેઠા વિના જ પોતાના પૂરતા ખર્ચે મકાનોનું યોગ્ય રિપેરિંગ પણ કરાવી લીધું છે. આમ છતાં, મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને સ્થળ પર વાસ્તવિકતાની કોઈ ચકાસણી કરવા પણ તૈયાર નથી. અને આ વર્ષે પણ તમામ મકાનોને નોટિસ આપી પાણી તેમજ વીજળીનાં જોડાણો કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. જોકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી.
પાંચ દિવસની મહેલત અપાઇ : સ્થાનિક
અહીં રહેતા રહીશ ચન્દ્રિકાબેન ગોસ્વામીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમને 5 દિવસમાં મકાન ખાલી કરવાનું બોર્ડ મારી ગયા છે અને જો ખાલી નહીં કરીએ તો નળ તેમજ લાઈટ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી છે. દર ચોમાસે અમને આવી નોટિસ આપીને હેરાન કરવામાં આવે છે. અમારી માંગણી છે કે કાં તો અમને મકાન આપો અથવા તો રહેવા માટે ભાડું આપો. અમે કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆતો કરી છે, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે.
અમે રિપેરીંગ કરવા તૈયાર
અન્ય એક સ્થાનિક અગ્રણી કેતન મનુભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 થી 35 વર્ષથી અહીં રહીએ છીએ. અમે કોર્પોરેશનનો વેરો, લાઈટ બિલ અને હાઉસિંગ બોર્ડના નાણાં પણ નિયમિત રીતે સમયસર ભરીએ છીએ. અમે અમારી રીતે રિપેરિંગ કરાવવા તૈયાર છીએ, તો તંત્ર અમારી પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ માંગે છે. અહીં 200-500 રૂપિયાની રોજિંદી મજૂરી કરીને ઘર ચલાવતા લોકો રહે છે, તેમને આવો રિપોર્ટ કોણ કરી આપે?
નોટીસ વહિવટી પ્રક્રિયાનો ભાગ
રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું કે આ નોટિસ આપવી એ માત્ર એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. આ મિલકતો ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની હોવા છતાં પણ તે શહેરની હદમાં આવતી હોવાથી નોટિસ આપવાની સત્તા – જવાબદારી મનપા પાસે છે. જોકે રિપેર થયેલા મકાનોની ચકાસણી નહીં કરવા અંગે તેમણે વહીવટી તંત્ર પાસેથી વિગતો મગાવવાનું આશ્વાસન તો આપ્યું છે.


