દીવમાં INS ખુકરી સ્મારક સ્થળે મ્યુઝીયમની ભેટ આપતા વડાપ્રધાન
ગંગેશ્વર મહાદેવ મંદિરનો પણ પ્રોજેકટમાં સમાવેશ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વના પ્રોજેકટોનું ઉદઘાટન કર્યુ. જેમાં દીવના પ્રોજેકટ આઇએનએસ ખુકરી સ્મારક સ્થળે મ્યુઝીયમ અને શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે.
આઇએનએસ ખુકરી સ્થળે આવેલ આ મ્યુઝીયમમાં ખુકરી સાથે જોડાયેલ મહાન શોર્ય, અદમ્ય સાહસ, વિરતા, ત્યાગ અને બલિદાનનું જે જવલંત ઉદાહરણ છે તે દર્શાવશે. પર્યટકો અને સ્થાનિકો આ ઐતિહાસિક સ્થળ સાથે મ્યુઝીયમ પણ જોઇ અને તેમના હૃદયમાં દેશભકિત, દેશપ્રેમ, લાગણી, ઉત્સાહ અને જુસ્સો કાયમ રહે. આ મ્યુઝીયમને આઇએનએસ ખુકરી જેવી ડિઝાઇન વારૂ બનાવવામાં આવેલ છે.
ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૌરાણિક માન્યતા અનુસાર મહાભારત કાળ દરમ્યાન પાંડવો જયારે અજ્ઞાત વાસમાં હતા ત્યારે તેમણે આ દરિયા કિનારે ભગવાન શિવની આરાધના કરી હતી. પાંચ શિવલીંગ અલગ-અલગ કદના, દરિયાની મધ્યમાં બિરાજમાન છે.
દરિયાના મોજાઓ સતત આ પાંચેય શિવલીંગોને જળાભિષેક કરી અને સ્થળને અદભૂત અને અલૌકિક બનાવે છે. પ્રશાસક પ્રફુલ પટેલ અવાર-નવાર આ ગંગેશ્વર મંદિરની વિઝીટ કરી અને પોતાની આગવી સુઝબુઝથી સુવિધાયુકત અને ખૂબ જ સુંદર બનાવ્યું છે.
દીવના સ્થાનિકો અને પર્યટકો માટે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર જે એક આસ્થાનું સ્થળ છે અને દીવમાં આવતા દરેક પર્યટકો અચૂક આ મંદિરના દર્શનનો લાભ લઇ પૂજા-અર્ચના કરે છે અને હિન્દુ ધર્મમાં આવતા મહત્વના પર્વોમાં ભકતોની ખૂબ જ ભીડ રહે છે. આ મંદિરના સૌંદર્યીકરણમાં પ્રશાસક પ્રફુલ પટેલનો ફાળો હોવાથી શ્રધ્ધાળુઓ કાયમ યાદ રાખશે અને સાચા દિલથી આર્શિવાદ આપશે.


