વડાપ્રધાનની અપીલની અસર : સાંસદ રૂપાલા અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં પહોંચ્યા
વોલ્વની સવારી એકદમ આરામદાયક રહી : સાંસદ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલના અમલ સ્વરૂપે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ અમદાવાદથી રાજકોટ વોલ્વો બસની સવારી કરી હતી. અહીં પહોંચતાની સાથે જ તેમણે એસટી બસમાં મુસાફરીને આહલાદક ગણાવી. પોતે આ સફર દરમિયાન ચેતના વાછાણી લિખિત ટહુકો પુસ્તક પણ વાંચ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો.
પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં આવવાનો જે અનુભવ થયો તે અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી અને કમ્ફર્ટથી રાજકોટ પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ન આવ્યો. આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ તો આપણી મનપસંદ એક્ટિવિટી ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી લીધું. તેના ઉપરથી સમજી શકાય કે બસમાં મને કેટલો કમ્ફર્ટ ઝોન મળ્યો હશે. અમદાવાદથી રાજકોટ હું ચાર કલાકમાં પહોંચી ગયો.
તેમણે વધુમાં જણાવ્યું કે, હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ મેં એસટી બસમાં મુસાફરી કરેલી છે. તે વખતે સીધી ગાંધીનગરની બસ ન હતી એટલે અમદાવાદ ગીતામંદિર ઉતરી જતા અને ત્યાંથી ડબલ ડેકર શોધતા. હું અભ્યાસ કરતો ત્યારે પણ એસટી બસની મુસાફરી કરેલી છે પરંતુ ત્યારની અને અત્યારની બસોમાં જમીન – આસમાનનો ફર્ક છે.
ઉદઘાટનમાં હાજર ન રહી શકયો તો બેસીને આવ્યો – રૂપાલા
માસ ટ્રાન્સપોર્ટેશનમાં એસટી વિભાગનો રોલ ખૂબ જ મહત્વનો છે. આજે રાજ્ય સરકારે નવી એસટી બસો પણ રાજકોટને ફાળવી છે અને અહીંથી સીધી ભુજની રોજની બસ શરૂ થઈ છે. જે બસોના ઉદ્ઘાટન માટે સવારે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ હું ગાંધીનગર હોવાથી પહોંચી શક્યો ન હતો તો હું વોલ્વો બસમાં બેસીને જ રાજકોટ આવ્યો.


