પતિના મોત બાદ વિધવા પર અત્યાચાર : સાસુ-નણંદે બળજબરીથી મુંડન કરાવ્યું
બે સંતાનો સાથે ઘરેથી કાઢી મૂકાઈ, ધોરાજીના પરિવાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ ; અંધશ્રદ્ધા, માનસિક ત્રાસ, મિલકતના હક્કથી વંચિત રાખવા અને આર્થિક શોષણના ગંભીર આક્ષેપો
અગ્ર ગુજરાત, રાજકોટ
એક તરફ સમાજ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે અને અંધશ્રદ્ધા સામે જાગૃતિના દાવા થઈ રહ્યા છે, ત્યારે રાજકોટ અને ધોરાજી સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિના અવસાન બાદ એક પરિણીતાને વિધિના નામે બળજબરીપૂર્વક મુંડન કરાવાયું હોવાના અને ત્યારબાદ તેને અપશુકનિયાળ ગણાવી બે માસૂમ સંતાનો સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ પોતાના સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
માયાણીનગર વિસ્તારમાં પિયર ખાતે રહેતી મહિલાના જણાવ્યા મુજબ તેમના લગ્ન વર્ષ 2014માં ધોરાજીમાં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમના પતિ આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. પતિની સારવાર માટે તેમણે પોતાના દાગીના ગિરવે મૂકી આશરે 15 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા, જ્યારે પિયરપક્ષ તરફથી પણ આર્થિક મદદ લેવામાં આવી હતી. લાંબી સારવાર છતાં નવેમ્બર 2025 દરમિયાન તેમના પતિનું અવસાન થયું હતું.
મહિલાનો આક્ષેપ છે કે પતિના નિધનના માત્ર ત્રણ દિવસ બાદ જ સાસુ અને નણંદે આત્માની શાંતિ તથા પરંપરાના બહાને તેમનું બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું. તેમણે આ વિધિનો વિરોધ કર્યો હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નહોતી. એટલું જ નહીં, પોતાના પિતાને જાણ કરવા માટે ફોન કરવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હોવાનું મહિલાએ જણાવ્યું છે.
પીડિતાના કહેવા મુજબ તેમના સાસરીપક્ષમાં અંધશ્રદ્ધા અને ભૂવા-ભરાડાની માન્યતાઓનું પ્રભુત્વ હતું. પરિવારના સભ્યો ભૂવાના કહેવાથી જ નિર્ણયો લેતા હતા. મહિલાએ આરોપ મૂક્યો છે કે પતિની ગંભીર બીમારી દરમિયાન પણ યોગ્ય સારવાર કરતાં અંધશ્રદ્ધા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. ભૂવાના સૂચન મુજબ કેટલીક એવી ક્રિયાઓ કરવામાં આવી હતી, જેનાથી પતિની તબિયત પર વિપરીત અસર પડી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. મહિલાનું કહેવું છે કે તેમણે શરૂઆતથી જ આવી માન્યતાઓનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમના પિયરમાં ક્યારેય આવી પ્રથાઓ જોવામાં આવી નહોતી. તેમ છતાં તેમની વાત અવગણીને તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. પતિના અવસાન બાદ સ્થિતિ વધુ વિકટ બની અને આખરે તેમને અપશુકનિયાળ ગણાવી ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પતિના અવસાન બાદ પરિવારની મિલકતો અને સંપત્તિમાં તેમના તથા સંતાનોના હક્કને અવગણવામાં આવ્યો છે. સસરાએ ગોડાઉનમાં રહેલો લસણનો જથ્થો વેચી નાખ્યો હોવા છતાં તેની રકમ આપવામાં આવી નથી. ઉપરાંત નણંદના દીકરાએ એટીએમ કાર્ડ મારફતે આશરે રૂ. 1.50 લાખ ઉપાડી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ હાલ તેમની પાસે 11 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. બંને બાળકોની જવાબદારી સ્વીકારવા માટે પણ સાસરીપક્ષ તૈયાર નથી. ઘરેથી કાઢી મૂકાયા બાદ તેમને રાજકોટ ખાતે પિયરમાં આશરો લેવો પડ્યો છે અને હાલ તેઓ પોતાના માતા-પિતા સાથે રહે છે. આ સમગ્ર મામલે મહિલાએ ધોરાજીના રહેવાસી સાસુ જયાબેન જાગાણી, સસરા ભાદાભાઈ જાગાણી તથા જેતપુરના નવાગઢ ખાતે રહેતી નણંદ નિમિષાબેન પાદરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે આ મામલે તેઓ લગભગ ચાર મહિના અગાઉ પણ પોલીસ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. તે સમયે બંને પક્ષોને બોલાવી સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો ન હતો. હવે તેમની માંગ છે કે દીકરી અને તેના બે નિર્દોષ સંતાનોને કાયદેસર હક્ક અને આર્થિક સુરક્ષા મળે તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટના માત્ર એક પરિવારનો વિવાદ નથી, પરંતુ 21મી સદીમાં પણ સમાજના કેટલાક વર્ગોમાં અંધશ્રદ્ધા અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવપૂર્ણ વલણો હજુ જીવંત હોવાનો ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. હવે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે અને પીડિતાને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.


