રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ
દિલ્હી જેવી ઘટના રોકવા જાગેલું ફાયર વિભાગ : દરોડાથી સંચાલકોમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજયભરમાં કેટલીક જાહેર જગ્યાએ આગના ભયંકર બનાવો બન્યા છે. તેમાં મોટુ માનવ હોનારત પણ સર્જાયુ છે. દિલ્હીમાં હોટેલમાં આગ લાગતા ૨૧ જિંદગી જીવતી હોમાય હતી. તેને ધ્યાનમાં રાખી રાજકોટમાં પણ તંત્ર દ્વારા હોટેલોમાં ફાયર સેફટી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહી તે અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં અને સેફટીનો અભાવ દેખાતા નોટીસ ફટકારી હતી.
દિલ્હીની હોટલમાં આગની ઘટના બની હતી જેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજકોટ શહેરમાં પણ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી વાત સામે આવી છે.
ફાયર વિભાગ દ્વારા ફાયર એક્ઝીટ, સ્મોક ડિટેકટર, આલાર્મ, સ્પ્રિનલર, સીસ્ટમ ચાલુ છે કે બંધ છે, એનઓસી સહીત તમામ ફાયર વિભાગના નિયમો અનુસાર છે કે નહી તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અધિકારીઓની કર્મચારીઓની ટીમ બનાવીને દરેક ઝોનમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં રાજકોટમાં આવી કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પણ ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગમાં સાઉથ ઝોનમાં સૌથી વધુ 12 હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય કીર્તિધામ સમાન સેન્ટ્રલ ઝોન માં 9, પશ્ચિમ વિસ્તાર એટલે કે વેસ્ટ ઝોન માં 6 અને નોર્થ-વેસ્ટ ઝોન માં 5 હોટલોને નોટિસ આપવામાં આવી છે. આ તમામ એકમોમાં સુરક્ષાના ધારાધોરણો નેવે મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.


