આનંદો….ફાટક બંધ, જામ અને રાહ જોવાનો આવ્યો અંત
સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ
74 કરોડના ખર્ચે તૈયાર થયેલો ઓવરબ્રિજ ખુલતાની સાથે લાખો વાહનચાલકોને મળશે મોટી રાહત
ગાંધીનગરથી લીલીઝંડી મળતા લોકાર્પણની કામગીરી બની તેજ : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટવાસીઓ માટે રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના જામનગર રોડ પર રેલવે લાઈન ઉપર રૂ.74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલો નવો સાંઢિયા રેલવે ઓવરબ્રિજ હવે આગામી અઠવાડિયામાં લોકાર્પણ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં લાખો વાહનચાલકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર અને અંડરબ્રિજના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તે પૈકી જામનગર રોડ પર આવેલો જૂનો સાંઢિયા પુલ તોડી તેની જગ્યાએ અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ તૈયાર હોવા છતાં લોકાર્પણના અભાવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વરિષ્ઠ નેતાઓનો સમય ન મળતા લોકાર્પણ કાર્યક્રમ લંબાઈ રહ્યો હતો. જોકે હવે આગામી અઠવાડિયામાં બ્રિજનું વિધિવત લોકાર્પણ કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવશે. આ જાહેરાત થતાં જ જામનગર રોડ, ભીમેશ્વર વિસ્તાર, સાંઢિયા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
ખાસ કરીને ભીમેશ્વર ફાટક પાસે દરરોજ સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યા હવે ભૂતકાળ બની જશે. ટ્રેન પસાર થતી વખતે રેલવે ફાટક બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગી જતી હતી. ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ફાટક ખુલ્યા બાદ પણ લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહેતો હતો. હવે નવા બ્રિજના કારણે વાહનોને સીધી અવરજવર મળી રહેશે અને સમય તેમજ ઈંધણ બંનેની બચત થશે.
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવર, 150 ફૂટ રીંગ રોડ પર કે.કે.વી. ચોકનો ડબલ ડેકર બ્રિજ, નાના માવા ચોકનો ફ્લાયઓવર, રામદેવપીર ચોકનો ફ્લાયઓવર તેમજ પ્રેમ મંદિર-મોટા મવા વચ્ચેનો ફ્લાયઓવર આજે હજારો વાહનચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
આ ઉપરાંત લક્ષ્મીનગર નાળા નજીક નિર્માણ પામેલા જનરલ બિપિન રાવત રેલવે અંડરબ્રિજના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. હવે સાંઢિયા બ્રિજ શરૂ થતાં શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તાર વચ્ચેનું જોડાણ વધુ ઝડપી અને સરળ બનશે. બીજી તરફ બીજા રીંગ રોડ અને કાલાવડ રોડને જોડતા કટારિયા ચોક ખાતે રૂ.167 કરોડના ખર્ચે બની રહેલા મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું આશરે 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આમ, આગામી અઠવાડિયે સાંઢિયા બ્રિજના લોકાર્પણ સાથે રાજકોટ શહેરને વધુ એક આધુનિક ટ્રાફિક સુવિધા મળવા જઈ રહી છે, જે લાખો લોકો માટે સમય બચાવનાર અને ટ્રાફિકમુક્ત સફરનો નવો માર્ગ સાબિત થશે.
સાંઢિયા બ્રિજ એક નજરે
ખર્ચ : રૂ. 74.32 કરોડ
સ્થાન : જામનગર રોડ, રેલવે લાઈન ઉપર
પ્રકાર : રેલવે ઓવરબ્રિજ (ROB)
હાલની સ્થિતિ : સંપૂર્ણ તૈયાર
ખુલ્લો મુકાવાની સંભાવના : આગામી અઠવાડિયે
વાહનચાલકોને શું મળશે ફાયદો?
ભીમેશ્વર ફાટક પર રાહ જોવાની જરૂર નહીં
ટ્રાફિક જામમાંથી મુક્તિ
મુસાફરીનો સમય ઘટશે
ઈંધણની બચત થશે
અકસ્માતના જોખમમાં ઘટાડો
રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષના મોટા બ્રિજ
હોસ્પિટલ ચોક થ્રી આર્મ ફ્લાયઓવર
કે.કે.વી. ચોક ડબલ ડેકર બ્રિજ
નાના માવા ચોક ફ્લાયઓવર
રામદેવપીર ચોક ફ્લાયઓવર
પ્રેમ મંદિર-મોટા મવા ફ્લાયઓવર
જનરલ બિપિન રાવત અંડરબ્રિજ
ભીમેશ્વર ફાટકની સમસ્યા હવે ઈતિહાસ બનશે
દરરોજ ટ્રેન પસાર થતી વખતે ફાટક બંધ થતાં લાંબી વાહનોની કતારો લાગતી હતી. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલી પડતી હતી. હવે નવા બ્રિજથી સીધી અવરજવર શક્ય બનશે.
હવે નજર કટારિયા આઇકોનિક બ્રિજ પર
ખર્ચ : રૂ. 167 કરોડ
સ્થાન : બીજા રીંગ રોડ-કાલાવડ રોડ જંક્શન
પ્રકાર : મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજ
પૂર્ણ થયેલું કામ : આશરે 50%
શહેરના ટ્રાફિક માટે આગામી મોટો પ્રોજેક્ટ ગણાય છે.


