જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ
કામગીરીનું વિભાજન થતા અરજદારોની હાલાકી દૂર થશેની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ઘણા સમયથી રાજકોટ શહેરની જનતા રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જન્મ મરણના દાખલા માટે હેરાન પરેશાન થઈ રહેલ છે અને આ બાબત થી રાજકોટ શહેરના હાલમાં નવ નિમણુંક થયેલા પ્રથમ નાગરિક મેયર પોતે સ્થિતિનુ નીરીક્ષણ કરવા રૂબરૂ કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા છે.
ત્યારે ખાસ જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકા ચાર ઝોનમાં હોવા છતાં પણ સેન્ટ્રલ ઝોન ખાતે જન્મ મરણ વિભાગમાં લાઈનો ઓછી થતી નથી તેના કારણે રાજકોટના શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે નવ નીમણુંક થયેલા તમામ પદાધિકારીઓને અને સત્તાધિશોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલીનો અંત કાયમી લાવવા માટે વોર્ડ ઓફિસે જન્મ મરણની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ઓનલાઈન સેવાઓની કામગીરી હાથ ધરવામાં આવશે તો રાજકોટના શહેરીજનોને યોગ્ય સવલત સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વેરા વસૂલાત માટે સરકારી તિજોરી ભરવા માટે વોર્ડ ઓફિસે વેરા વસૂલાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય તો જન્મ મરણની કામગીરી માટે વોર્ડ ઓફિસે કેમ કામગીરી હાથ ધરવામાં આવે નહિ?
એક તરફ સરકાર ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જન્મ મરણ વિભાગમા લાંબી લાંબી લાઈનો ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે આ સરકારને પુછવા માંગીએ છીએ કે શું ડીજીટલ ગુજરાતમાં લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટે આજીવન કોઈને કોઈ કારણોસર લાઈન માં ઉભા રહીને પોતાની અડધી જીંદગી વિતાવવાની છે?
૨૦૧૪ પછી ગુજરાતની જનતાના નસીબમાં કોઈને કોઈ કારણોસર લાઈન માં ઉભા રહેવાનું ચાલુ જ રહ્યું છે ત્યારે સત્તામાં બેઠેલી સરકારને એટલું જણાવીએ છીએ કે આ કારમી મોંઘવારીમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ બાબતે લાંબી લાંબી લાઈનો માંથી છુટકારો મળે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરીને લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે યોગ્ય હક્ક અધિકાર મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે એવી રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


