પત્રકાર નાનો માણસ નથી એ સમાજનો પ્રહરી છે – ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ
વિસનગરમા ગુજરાત પત્રકાર સંઘનો સ્નેહમિલન સમારોહ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
પત્રકાર એ નાનો માણસ નથી એ સમાજનો પ્રહરી છે શાળાના શિસ્તબદ્ધ સંચાલન માટે આચાર્યની જેટલી જરૂર છે એટલી સમાજને પત્રકારોની છે એમ જણાવી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે રાજ્યના નિષ્ઠાવાન,પ્રેરણાદાયી ને સમાજપયોગી પત્રકારોની સેવાઓ ને ગૌરવભેર બિરદાવી હતી.
પત્રકારત્વ ક્ષેત્રે રાજ્ય સ્તરે ગૌરવપદ યોગદાન આપી વિસનગર શહેરને ગૌરવાન્વિત કરનારા વરિષ્ઠ પત્રકાર સ્વ.નિરંજન પરિખ અને સ્વ.પોપટલાલ વ્યાસની સ્મૃતિમા આયોજિત ગુજરાત પત્રકાર સંઘના સ્નેહમિલન સમારોહમા ઉપસ્થિત પત્રકારોનું અભિવાદન અને સન્માન કરી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પર્યાવરણ ક્ષેત્રે વૈચારિક પરિવર્તન લાવવા તેમજ રાષ્ટ્ર વ્યાપી અભિયાનને સફળ બનાવવા પત્રકારોને પ્રેરિત કર્યા હતા.
સમારોહના પ્રારંભે ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર.પ્રજાપતિ,ઉપ પ્રમુખ જયેશભાઈ વ્યાસ,જગદીશભાઈ બ્રહ્મભટ્ટ,મહામંત્રી નટવરલાલ ભટ્ટ,વરિષ્ઠ પત્રકાર વિજયભાઈ મહેતા,ગુજરાત મીડીયા એસોસિએશન પ્રમુખ મયુરભાઈ શેઠ,વિસનગર એપીએમસી ચેરમેન ડો.જયંતિલાલ પટેલે પ્રાસંગિક પ્રવચનો કરી ગુજરાત પત્રકાર સંઘની સેવાઓને બિરદાવી હતી.
આ પ્રસંગે ગુજરાત પત્રકાર સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ,સભ્યો,વિસનગર અને મહેસાણાના પત્રકારો,નવોદિત પત્રકારો, નિરવ પ્રકૃતિ ટ્રસ્ટના પ્રમુખ નિમેષભાઈ પટેલ,મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના કન્વિનર શૈલેષભાઈ પટેલ,લોકસાહિત્યકાર ભરતભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


