આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ
8 વર્ષ બાદ ઉકેલાયેલી મર્ડર મિસ્ટ્રી પરથી પશ્ચિમ બંગાળના ક્રૂર ઠેકેદારની રાજકોટ જેલમાંથી ધરપકડ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરને આઠ વર્ષ સુધી હચમચાવી રાખનાર અને પોલીસ માટે સૌથી પેચીદા ગણાતા ધડ વગરના માથાના રહસ્યનો આખરે અંત આવ્યો છે. વર્ષ 2018માં આજી નદીના પટમાંથી મળેલા એક અજાણ્યા બાળકના કપાયેલા માથાની ઓળખ હવે DNA પરીક્ષણના આધારે થઈ ગઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે પશ્ચિમ બંગાળના એક સગીર બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને રાજકોટ જેલમાંથી કબજામાં લઈ ફરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસ તપાસ મુજબ અજીતમુલા પશ્ચિમ બંગાળના ગરીબ પરિવારોને લાલચ આપી બાળકોને કામ માટે રાજકોટ લાવતો હતો. બાળકો પાસેથી મજૂરી કરાવતી વખતે જો કોઈ બાળક કામ કરવાની ના પાડે અથવા વિરોધ કરે તો તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. એક વર્ષ પહેલાં બાળમજૂરી અને બાળકો પર અત્યાચારના કેસમાં તેની ધરપકડ દરમિયાન પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. એ જ સમયે જૂના ધડ વગરના માથાના કેસ સાથે તેની સંડોવણી હોવાની શંકા ઉભી થઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચની ઊંડી તપાસ દરમિયાન આરોપીએ વર્ષો પહેલાં એક બાળકની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે પશ્ચિમ બંગાળમાં રહેતા બિનોદ હાસદા અને પૂર્ણિમા હાસદાનો સંપર્ક સાધી તેમના DNA નમૂનાઓ મેળવ્યા હતા. આ નમૂનાઓની ગાંધીનગર ફોરેન્સિક લેબમાં સરખામણી કરાતા 10 જૂને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે બાળકની ઓળખ નિશ્ચિત થઈ ગઈ છે.
હવે પોલીસ આરોપીની ફરી પૂછપરછ કરીને હત્યા પાછળના ચોક્કસ કારણો, બાળકના શરીરના અન્ય અવશેષો ક્યાં નિકાલ કરવામાં આવ્યા અને ગુનાને કેવી રીતે અંજામ અપાયો તે અંગે વધુ વિગતો મેળવશે.
ડિસેમ્બર 2018માં ભગવતીપરા અને રૂખડિયા કોલોનીને જોડતા બેઠા પુલ નજીક આજી નદીના પટમાં મહિલાઓને એક બાળકનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસે મૃતક બાળકની ઓળખ મેળવવા માટે ચહેરાનો સ્કેચ તૈયાર કરાવી જાહેર સ્થળોએ લગાવ્યો હતો અને માહિતી આપનાર માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. રાજ્યભરના ગુમ થયેલા બાળકોની વિગતો ચકાસવામાં આવી હતી. ઉપરાંત ઘટનાસ્થળ આસપાસના મોબાઈલ ટાવરના અંદાજે બે લાખ ફોન નંબરના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. છતાં કોઈ મહત્વની કડી હાથ લાગી નહોતી.
બાળકના શરીરના બાકીના ભાગોની શોધ માટે આજી નદી, અવાવરુ કૂવા અને ભૂગર્ભ ગટરોમાં વ્યાપક તપાસ હાથ ધરાઈ હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી, પરંતુ કોઈ અવશેષ મળી આવ્યા નહોતા. અંતે લાંબા સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ 114 દિવસ પછી બાળકના કપાયેલા માથાની ધાર્મિક વિધિ સાથે દફનવિધિ કરવામાં આવી હતી. વર્ષો સુધી અંધકારમાં રહેલો આ કેસ આધુનિક ફોરેન્સિક ટેક્નોલોજી અને સતત તપાસના કારણે આખરે ઉકેલાયો છે. હવે આરોપીની વધુ પૂછપરછમાં બાળ હત્યાકાંડના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


