ભૂજમાં વેટરનરી સાયન્સ કોલેજનો પ્રારંભ, વિદ્યાર્થીઓને જિલ્લામાં જ મળશે શિક્ષણ
પશુપાલનમાં અગ્ર સ્થાન ધરાવતા જિલ્લામાં સુવિધાનો કરાયો વધારો
અગ્ર ગુજરાત, કચ્છ
કચ્છ સહિત સમગ્ર ગુજરાતના પશુપાલકો, પશુપ્રેમીઓ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગૌરવની વાત છે કે ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટી સંચાલિત કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી હવે વધુ સુવ્યવસ્થિત રીતે શૈક્ષણિક અને પશુચિકિત્સા સેવાઓ માટે તૈયાર થઈ રહી છે. આ કોલેજ દ્વારા દર વર્ષે આશરે 100 વિદ્યાર્થીઓને વેટરનરી સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસની તક મળશે, જેના કારણે કચ્છના વિદ્યાર્થીઓને હવે પોતાના જિલ્લામાં જ ગુણવત્તાસભર પશુચિકિત્સા શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક, વલમજીભાઈ હુંબલ, ચેરમેન મનોજભાઈ સોલંકી, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. બી. પટેલ તેમજ ઓર્ગેનાઇઝર સેક્રેટરી ડૉ. કે. કે. હડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લો પશુપાલન માટે સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. પશુધન આધારિત અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે તાલીમબદ્ધ અને આધુનિક જ્ઞાન ધરાવતા પશુચિકિત્સકોની જરૂરિયાત સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ભુજ ખાતે વેટરનરી કોલેજની સુવિધા કચ્છ માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
કોલેજમાં આધુનિક પ્રયોગશાળાઓ, પશુ નિદાન માટેના અદ્યતન સાધનો, વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ, સંશોધન અને તાલીમની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક આધારિત જ્ઞાન જ નહીં પરંતુ પશુ સારવાર, સર્જરી, રોગ નિયંત્રણ, પશુપોષણ અને પશુપાલન વ્યવસ્થાપન અંગે પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે.
કચ્છ જિલ્લામાં પશુપાલન અને પશુ સંશોધન ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. માનકુવા ખાતે પશુ ઉત્પાદન અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા “રીજીયનલ લાઈવસ્ટોક રિસર્ચ સ્ટેશન” યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત મુંદ્રા ખાતે “પશુ વિજ્ઞાન કેન્દ્ર”ની સ્થાપના કરવામાં આવી છે, જે પશુપાલકો અને સંશોધકો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
ભુજ સ્થિત વેટરનરી સંકુલમાં શરૂ થયાના માત્ર આઠ મહિનામાં જ દરરોજ સરેરાશ 30 થી 35 પશુઓ સારવાર અને નિદાન માટે આવી રહ્યા છે. હાલમાં અહીં 52 જેટલા ઉચ્ચ લાયકાત ધરાવતા ડોકટરો સેવા આપી રહ્યા છે, જેમાં માસ્ટર ડિગ્રી અને પીએચ.ડી. કરેલા નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ કચ્છને પશુચિકિત્સા, સંશોધન અને પશુપાલન વિકાસના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.


