રેલવે હોસ્પિટલની સુવિધાઓમાં વધારો: સુજાતા પાંડેએ કર્યું અત્યાધુનિક ઉપકરણો અને બાળ વોર્ડનું લોકાર્પણ
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ખાતે નવનિર્મિત ડોક્ટર રૂમ ખુલ્લો મુકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષ સુજાતા પાંડેએ તાજેતરમાં રાજકોટ સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલની મુલાકાત લીધી હતી તથા હોસ્પિટલમાં વિકસાવવામાં આવેલી વિવિધ નવી સુવિધાઓ અને તબીબી ઉપકરણોનું લોકાર્પણ કર્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પોતાની મુલાકાત દરમિયાન શ્રીમતી પાંડેએ નવવિકસિત બાળ વોર્ડ, બાયોકેમિસ્ટ્રી એનાલાઈઝર મશીન, પ્રતીક્ષા ખંડ (વેઇટિંગ રૂમ) માં લગાવવામાં આવેલા ટેલિવિઝન, દંત ચિકિત્સા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલા આઈ-એલઈડી લાઈટ ક્યોર ઉપકરણ તથા નવીનીકરણ કરાયેલા ડોક્ટર રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરીને દર્દીઓને પૂરી પાડવામાં આવી રહેલી આરોગ્ય સુવિધાઓની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટના મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હોસ્પિટલમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અને આરોગ્ય સેવાઓમાં થયેલા નોંધપાત્ર સુધારાઓ પર આધારિત એક વિશેષ વીડિયો પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિમાં આધુનિક તબીબી સુવિધાઓના વિસ્તરણ, દર્દીઓની સેવાઓમાં સુધારો તથા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને પૂરી પાડવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓની માહિતી શેર કરવામાં આવી હતી.
શ્રીમતી સુજાતા પાંડેએ દર્દીઓની બહેતર સંભાળ અને ગુણવત્તાયુક્ત સારવાર માટે હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ સંગઠન અને રેલવેની પ્રાથમિકતાઓમાં સામેલ છે તથા આ દિશામાં રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટના અધ્યક્ષ મુકેશી મીના સહિત સંગઠનના અન્ય હોદ્દેદારો અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.


