ગોંડલમાં આંગડિયા પેઢીના માલિક સાથે 14 વર્ષથી નોકરી કરતા મેનેજરની 2.31 કરોડની ઠગાઇ
પોતાના બનેવી સાથે મળીને કાવતરૂ ઘડયું : પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલની એક જાણીતી આંગડિયા પેઢીમાં છેલ્લા 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા એક શખ્સે માલિકના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને અધધ.. 2 કરોડ 31 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો છે. મેનેજરે પોતાના બનેવી સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ લાલજીભાઈ બોરીયા ગોંડલમાં ‘પી.એમ. આંગડિયા પેઢી’ નામનો વ્યવસાય ચલાવે છે. તેમની આ પેઢીમાં મયુરભાઈ વલ્લભભાઈ ઢોલ નામનો વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરતો હતો. વર્ષો જૂનો સંબંધ હોવાથી પેઢીનો તમામ આર્થિક વહીવટ મયુરભાઈ જ સંભાળતો હતો અને માલિક હર્ષદભાઈને તેના પર પૂરો ભરોસો હતો. આ વિશ્વાસનો ભયંકર અંજામ ત્યારે આવ્યો જ્યારે પેઢીના હિસાબોમાં મોટી ગરબડ દેખાઈ.
પોલીસ ફરિયાદ મુજબ, મેનેજર મયુરભાઈએ પોતાના જૂનાગઢ ખાતે રહેતા બનેવી જલ્પેશભાઈ ઝાપડિયા સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું. ગત 12 મે 2026 ના રોજ મયુરભાઈએ શાપર, જેતપુર અને ધોરાજીની અલગ-અલગ આંગડિયા બ્રાન્ચોમાં આશરે 1 કરોડ 17 લાખ રૂપિયા મોકલીને ઉપાડી લીધા હતા. આ ઉપરાંત અગાઉના હિસાબના 1 કરોડ 44 લાખ રૂપિયા પણ બાકી હતા. આમ, કુલ 2 કરોડ 61 લાખ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો હતો.
જ્યારે માલિક હર્ષદભાઈને શંકા ગઈ અને તેમણે શાપર તથા જેતપુર બ્રાન્ચના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા, ત્યારે મેનેજરનો બનેવી જલ્પેશ રૂપિયા લેતો સ્પષ્ટ જોવા મળ્યો. ચોરી પકડાઈ ગયા બાદ, હિસાબ માંગવામાં આવતા આરોપીઓએ જૂનાગઢ બ્રાન્ચમાંથી માત્ર 30 લાખ રૂપિયા પરત કર્યા હતા. પરંતુ બાકી નીકળતા 2 કરોડ 31 લાખ રૂપિયા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જ્યારે માલિક હર્ષદભાઈએ રૂબરૂ મળીને પૈસાની ઉઘરાણી કરી, ત્યારે મેનેજર મયુરભાઈએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “મારા પર દેણું થઈ ગયું હોવાથી મેં પૈસા લીધા છે અને હવે મારી પાસે તમને આપવા માટે પૈસા નથી. તમારે પૈસા ભૂલી જવા પડશે.” જોકે, આ સમગ્ર બોલાચાલી અને કબૂલાતનું માલિકની દીકરીએ પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જે હવે આ કેસમાં મોટો પુરાવો બનશે.
પૈસા પરત ન મળતા અને સમાધાનના કોઈ અણસાર ન દેખાતા, આખરે હર્ષદભાઈ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર મયુરભાઈ ઢોલ અને તેના બનેવી જલ્પેશભાઈ ઝાપડિયા વિરુદ્ધ B.N.S ની કલમ ૩૧૬(૫) અને ૫૪ હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કડક ફરિયાદ નોંધાવી છે.
ગોંડલના આ આંગડિયા કૌભાંડે વેપારી આલમમાં ચકચાર મચાવી દીધી છે. હાલ તો ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધીને પી.આઈ. જે.આર. ઝાલાને આ કેસની તપાસ સોંપી છે. દીકરીએ ઉતારેલો વિડીયો અને સીસીટીવી ફૂટેજ પોલીસ માટે મહત્ત્વની કડી સાબિત થશે. હવે જોવું એ રહ્યું કે પોલીસ આ બંને આરોપીઓને ક્યારે સળિયા પાછળ ધકેલે છે અને વેપારીના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ક્યારે રિકવર થાય છે.


