રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
લાંબા સમયથી પડતર સમસ્યાઓનું નિવારણ : પેન્શનરોને રાહત મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 15 જૂન 2026ના રોજ પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે ‘પેન્શન અદાલત’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાપ્ત થયેલા તમામ 22 કેસોનો સ્થળ પર જ તત્કાલ નિકાલ કરીને પેન્શનરોને મોટી રાહત આપવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, પેન્શન અદાલતના આયોજન પહેલાં પેન્શનરો અને પારિવારિક પેન્શનરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી અરજીઓ પર અગાઉથી જ જરૂરી કાર્યવાહી કરીને કુલ 22 કેસોને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, જેનું પેન્શન અદાલત દરમિયાન સંતોષકારક અને અસરકારક નિવારણ કરવામાં આવ્યું હતું. પેન્શન અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોની લાંબા સમયથી પડતર સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિવારણ સુનિશ્ચિત કરવાનો છે.
આ કાર્યક્રમ દરમિયાન ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત વરિષ્ઠ પેન્શનરોનું સન્માન કર્યું હતું તેમજ તમામ પેન્શનરો અને પેન્શનર એસોસિએશનના પ્રતિનિધિઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન પોતાના પેન્શનરોના કલ્યાણ અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે ખાતરી આપી હતી કે પેન્શનરોની સમસ્યાઓ પર માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં, પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ એટલી જ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે અને કાર્મિક તેમજ એકાઉન્ટ્સ વિભાગ દ્વારા તેમને સતત સહયોગ પૂરો પાડવામાં આવશે.
આ પેન્શન અદાલતમાં 24 વરિષ્ઠ નાગરિકો અને તેમના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ રેલ પ્રશાસનની આ પહેલની પ્રશંસા કરી હતી. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પેન્શન અદાલતનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના સહિત કાર્મિક અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લઈ આ આયોજનને સફળ બનાવ્યું હતું.


