જેતપુરમાં પ્રોહિબિશનના ગુનામાં મહિનાથી ફરાર આરોપીને દબોચી લેવાયો
પોલીસ જાપ્તામાંથી ભાગવા જતાં આરોપીને ઇજા
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્યની એલસીબી (LCB) ટીમે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી પાડી જેતપુર લાવતી વખતે એક મોટી ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગત 15 મે 2026ના રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો એક ગુનો નોંધાયો હતો. આ કેસમાં જેતલસર ગામનો આરોપી જસકુ જીતુભાઇ હુદડ લાંબા સમયથી વોન્ટેડ હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી જેતલસરથી જેતપુર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેને જૂનાગઢની કૃષ્ણ હોટેલ પાસેથી હસ્તગત કર્યો હતો.
જ્યારે એલસીબીની ટીમ આરોપીને લઈને જેતપુર તરફ આવી રહી હતી, ત્યારે જેતલસર બાયપાસ રોડ પર પહોંચતા આરોપીએ પોલીસને લઘુશંકા માટે વિનંતી કરી હતી. આરોપીની વિનંતીને માન આપી પોલીસ તેને રોડ પર લઈ ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપીએ એલસીબીના હેડ કોન્સ્ટેબલને ધક્કો મારીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાની ઉતાવળમાં આરોપી નજીકના ઓવરબ્રિજ પાસેની દીવાલ સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પગમાં ગંભીર ઈજા હોવાથી તેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત હેઠળ તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, “આરોપી જસકુ હુદડ લાંબા સમયથી પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ હતો. એલસીબીની ટીમે બાતમીના આધારે તેને જૂનાગઢની કૃષ્ણા હોટેલ પાસેથી હસ્તગત કર્યો હતો. જેતપુર લાવતી વખતે આરોપીએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આરોપી પર અગાઉ પણ ચોરી, લૂંટ, પ્રોહિબિશન અને જુગાર જેવા ૧૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.”


