રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનો વધુ એક કીર્તિમાન
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
હેન્ડ સર્જન ડો. પલ્લવ મહેતાની ટીમે જટિલ સર્જરી કરી સફળતા મેળવી; હવે એલ્બો રિપ્લેસમેન્ટ માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) જનરલ સિવિલ હોસ્પિટલએ સરકારી આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના સરકારી આરોગ્ય તંત્રમાં પ્રથમ વખત અદ્યતન “ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ” સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર હોસ્પિટલ માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના દર્દીઓ માટે આશાજનક અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહી છે. પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયા તથા ઓર્થોપેડિક વિભાગના વડા ડો. શૈલેષ રામાવતના માર્ગદર્શન હેઠળ હેન્ડ અને માઇક્રો સર્જરીના નિષ્ણાત ડો. પલ્લવ મહેતા અને તેમની ટીમે આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.
મળતી માહિતી મુજબ દર્દીએ અગાઉ અન્ય હોસ્પિટલમાં કોણીની સર્જરી કરાવી હતી, તેમ છતાં સતત દુખાવો, હાથની ગતિમાં મર્યાદા અને રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ દર્દી સારવાર માટે પી.ડી.યુ. હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબી તપાસ અને રેડિયોલોજિકલ મૂલ્યાંકન બાદ નિષ્ણાતોએ દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખી ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. દર્દીની પૂર્વ સર્જરી અને કોણીના સાંધામાં થયેલા ગંભીર ફેરફારોને કારણે આ ઓપરેશન અત્યંત પડકારજનક ગણાતું હતું. તેમ છતાં ડો. પલ્લવ મહેતા અને તેમની ટીમે અદ્યતન સર્જિકલ ટેક્નિક્સ તેમજ આધુનિક ઇમ્પ્લાન્ટ્સની મદદથી સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરી હતી.
સર્જરી બાદ દર્દીને દુખાવામાં નોંધપાત્ર રાહત મળી છે અને હાથની કાર્યક્ષમતા તથા કોણીની ગતિમાં પણ સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ દર્દી તબીબોની દેખરેખ હેઠળ સંતોષકારક રીતે સ્વસ્થ થઈ રહ્યા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. આ પ્રસંગે ડો. પલ્લવ મહેતાએ જણાવ્યું હતું કે યોગ્ય નિદાન, સચોટ આયોજન અને આધુનિક સર્જિકલ પદ્ધતિઓ દ્વારા જટિલ કેસોમાં પણ ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓને વિશ્વસ્તરીય ઓર્થોપેડિક સારવાર ઉપલબ્ધ કરાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ડીન ડો. ભારતી પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ નવીન સારવાર પદ્ધતિઓ તથા સુપર સ્પેશિયાલિટી સેવાઓના વિસ્તરણ માટે સતત કાર્યરત છે, જેથી સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ સહિતના મહાનગરો સુધી સારવાર માટે જવાની જરૂરિયાત ઘટે. સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાના જણાવ્યા મુજબ દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે હોસ્પિટલ સતત નવા પ્રયાસો કરી રહી છે અને ભવિષ્યમાં પણ અનેક અદ્યતન સારવાર સુવિધાઓ શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ હાલમાં ટ્રોમા કેર, ન્યુરો સર્જરી, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કાર્ડિયાક સારવાર અને કેન્સર નિદાન જેવી અનેક સુપર સ્પેશિયાલિટી સેવાઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે વિશ્વસનીય આરોગ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરીની આ સફળતા હવે એવા દર્દીઓ માટે રાહતરૂપ બની છે, જેમને અત્યાર સુધી આવી સારવાર માટે મોટા શહેરોનો સહારો લેવો પડતો હતો.


