કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારના ચર્ચિત નચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન હાશમભાઈ કાદરીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફેથી રજૂ થયેલી દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.
કેસની હકીકત મુજબ, ગત તા. 27-02-2026ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ મોડું પરત આપવાની બાબતે ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મેડિકલ અધિકારીએ ફરિયાદીના પરિવારજનોને જાણ કરી હતી કે ઇજાગ્રસ્તને માથાના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ છે. હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર લીધા બાદ ફરિયાદીનું મોત નિપજતાં કેસમાં ગંભીર વળાંક આવ્યો હતો. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા અગાઉ નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 103(1) મુજબ હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી. આ ગુનામાં મહેશ મનુભાઈ પરેશા સહિત ચાર વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ કેસમાં આરોપી ઈમરાન હાશમભાઈ કાદરીએ ચાર્જશીટ દાખલ થયા બાદ નિયમિત જામીન માટે અરજી કરી હતી. આરોપી તરફેથી એડવોકેટ શ્રેય એસ. બાવીશીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો આધાર રજૂ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોની રજૂઆતો અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ઈમરાન હાશમભાઈ કાદરીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ મહત્વપૂર્ણ જામીન અરજીમાં આરોપી તરફેથી બાવીશી લો ફર્મના એડવોકેટ સંજય જી. બાવીશી, શ્રેય એસ. બાવીશી તેમજ મદદનીશ તરીકે કૌશલરાજસિંહ ડી. વાળા રોકાયા હતા.


