વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય
પાકની સિંચાઇ માટે દૈનિક બે કલાક વિજપુરવઠો વધુ અપાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાને કારણે ધરતીપુત્રોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના લાંબા વિરામના લીધે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે સિંચાઈ માટે પાણીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વકરી રહી છે. વરસાદના આ અભાવ વચ્ચે ખેડૂતોને તેમના મોંઘા મૂડીના પાકને બચાવવા માટે સંપૂર્ણપણે વીજચાલિત સાધનો પર આધાર રાખવો પડી રહ્યો છે.
ત્યારે સુરતના ખેડૂતોની આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી અને ઊર્જા વિભાગના સંકલન હેઠળ લેવાયેલા નિર્ણય અનુસાર, રાજ્યના ખેડૂતોને કૃષિ ફીડરો દ્વારા અત્યાર સુધી જે 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, તેમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને પોતાના પાકની સિંચાઈ માટે દૈનિક 10 કલાક પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાનો ત્વરિત અને સુચારૂ અમલ થાય તે માટે GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ), GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) અને SLDC (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર) ને તાત્કાલિક અસરથી આદેશો આપી દેવાયા છે.
વરસાદ ન હોવાને કારણે મોંઘા બિયારણ અને ખાતર નાખીને કરાયેલું વાવેતર નિષ્ફળ જવાની અણી પર હતું. પરંતુ સરકારના આ પ્રયાસથી ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળતા, ખેતીના વાવેતર અને ઉછેરને નવો વેગ મળશે. પાકને સમયસર અને જરૂરી પાણી મળી રહેતા સુકાઈ રહેલી ખેતી ફરી લીલીછમ બનશે.
રોકડીયા પાકોને ફાયદો મળશે
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને વધુ પાણીની જરૂરિયાત ધરાવતા પાકોને મોટું જીવનદાન મળશે. ડાંગરના ધરૂડિયા અને રોપણી માટે સતત પાણી જરૂરી છે. શેરડી અને કેળા જેવા બાગાયતી અને રોકડિયા પાકોને નિયમિત સિંચાઈ ન મળે તો મોટું નુકસાન થાય છે. પપૈયાના ઉછેર અને ફળોના વિકાસ માટે આ વધારાની વીજળી આશીર્વાદરૂપ સાબિત થશે.


