ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ
ટાટની તા.૮ અને GPSCની તા.૯ ઓગષ્ટે પરીક્ષા લેવા સત્તાવાર જાહેર કરતું બોર્ડ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઉમેદવારોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી સ્થિતિ અને વાહનવ્યવહારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવતીકાલે તથા રવિવારે યોજાનારી GPSC અને TAT ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા અલગ-અલગ 34 કેડર માટેની સામાન્ય અભ્યાસ (General Studies) ની મહત્વપૂર્ણ પરીક્ષા આવતીકાલે આયોજિત થવાની હતી.
પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં આયોગ દ્વારા આ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. નવી જાહેરાત મુજબ, હવે GPSC ની આ પરીક્ષા આગામી 9 ઑગસ્ટના રોજ યોજાશે, જેથી દૂર-સુદૂરથી આવતા ઉમેદવારોને મુસાફરીમાં કોઈ હાલાકી ન ભોગવવી પડે.
બીજી તરફ, રવિવારે યોજાનારી શિક્ષક અભિયોગ્યતા કસોટી (TAT) અંગે પણ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારની TAT ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર માહિતી અનુસાર, હવે આ TAT ની પરીક્ષા આગામી 8 ઑગસ્ટના રોજ યોજવામાં આવશે. તમામ ઉમેદવારોને નવી તારીખો અને હોલ ટિકિટ સંબંધિત અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સૂચના અપાઈ છે.
પોલીસમાં 25,600 પદો પર થશે સીધી ભરતી
રાજયભરમાં પોલીસદળમાં ભરતી મામલે જાહેરહિતની અરજીમાં સરકારે સોંગદનામું કર્યુ હતુ. તેમાં એવી રજૂઆત કરી હતી કે, 2109 કોન્સ્ટેબલની નવી ભરતી કરવાની છે. ગુનેગારીના નિયત્રંણ માટે નવી 32 પોસ્ટ પર ભરતી કરવાના છે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સમાં પણ નવી ભરતી સરકાર કરવા જઈ રહી છે. કારણ કે, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી માટે ગૃહવિભાગ ગંભીર છે. સરકારે એવી રજૂઆત કરી હતી કે, આઉટ સોર્સિંગથી ભરતી કરાયેલા અધિકારીઓને ડીજીપી સાથે બેઠક કરીને તેમના મોનિટરીંગ હેઠળ કામગીરી સોપવામાં આવશે. જેથી કરીને યોગ્ય દિશામાં ઝડપી તપાસ નિષ્ણાતો કરી શકે. પોલીસ બેડામાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં આવશે. કુલ 25,600 જગ્યા પર સીધી ભરતી થવાની છે.


