માહિતી ખાતાની પરીક્ષામાં CCDCના ૧૮ વિદ્યાર્થીઓએ મેળવી સફળતા
પરીક્ષાર્થીઓની સફળતાને બિરદાવતાં કુલપતિ પ્રો.ઉત્પલ જોષી અને રજિસ્ટ્રાર ડો.અજયસિંહ જાડેજા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોનાં માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-૩ ની કુલ ૪૮ જગ્યાઓ માટે પ્રિલીમરી પરીક્ષાનું આયોજન કરાવેલ હતું. સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોષી તથા રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓગષ્ટ માસથી ત્રણ મહિના સુધી ૧૦૦ કલાકની નિઃશુલ્ક તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમશાળામાં ભાગ લેનાર મોટાભાગના મિડિયાકર્મીઓને ભારતનું બંધારણ, ભારતનો ઈતિહાસ અને ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી, મેથ્સ અને રીઝનીંગ, સામાન્ય જ્ઞાન, જાહેર વહીવટ, જર્નાલીઝમના વિષયો ઉપર અમદાવાદનાં તજજ્ઞ પ્રફુલ્લભાઈ ગઢવી, ડો. નયનભાઈ જોબનપુત્રા, સમીરભાઈ પટેલ, ધવલભાઈ મારુ, મનિષભાઈ ઈસરાની, ગૌરવ ભટ્ટ, વિશાલભાઈ ટીલવા, નિરજભાઈ ભંડેરી તથા પત્રકારત્વ ભવનનાં નીતાબેન ઉદાણી અને ટીમ, રાજુલભાઈ દવે, ગૌતમભાઈ દવે, નિલેશભાઈ પંડયા વગેરે તજજ્ઞ નિષ્ણાંતો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને તાલીમાર્થીઓની સખત મહેનત તથા સચોટ માર્ગદર્શનના સમન્વયથી સીસીડીસીના ૩૩ તાલીમાર્થીઓ માંથી ૧૮ તાલીમાર્થીઓએ પ્રાથમિક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવેલ છે.
ગુજરાત રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત માહિતી નિયામક કચેરીના સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશની વર્ગ-૩ જુદી-જુદી જગ્યાઓ માટેની તાલીમના રેકોર્ડબ્રેક સફળતા મળતા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તથા સત્તામંડળના સર્વે સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીના સંયોજક ડો. નિકેશભાઈ શાહ અને તેની ટીમને અભિનંદન પાઠવેલ છે. તાલીમશાળાને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, હેતલબેન ગોસ્વામી, હીરાબેન, સોનલબેન અને કાંતિભાઈ જાડેજા વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


