ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
વિવિધ કાર્યક્રમમાં કલાની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ ખાતે વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન (GCAUSM) ના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વી.એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગના ડૉ.વિદ્યાધર બલિકાઈ, ડૉ. રુદ્રી રાવલ તથા યોગ શિક્ષિકા સુ.શ્રી વંદના સૈનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે આસન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રીલ મેકિંગ સ્પર્ધા તથા યોગિક સાત્વિક ફૂડ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ ડૉ.વિદ્યાધર બલિકાઈના સ્વાગત પ્રવચનથી થયો હતો. ત્યારબાદ યોગ શિક્ષિકા વંદના સૈનીદ્વારા યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોગાસનો અને તેમના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના વિદ્યાર્થીઓએ યોગ આધારિત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે મૌલેશભાઈ ઉકાણી અને બાન પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
કાર્યક્રમમાં ગાર્ડી વિદ્યાપીઠ પરિવારની વિવિધ સંસ્થાઓ વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, બી. એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, એલ. આર. શાહ હોમિયોપેથીક મેડિકલ કોલેજ તથા એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલો, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૈદ્ય રુદ્રી રાવલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે મુખ્ય અતિથિ, પ્રાયોજકો, ગાર્ડી વિદ્યાપીઠના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલો, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


