હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ
અલગ-અલગ ત્રણ ગુનામાં પોલીસ શોધતી હતી: રેન્જ આઇજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને હિસ્ટ્રીશીટરને આબાદ ઝડપી લીધો.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હત્યાની કોશિશ, ખંડણી, રાયોટ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ રેન્જ આઇજી ટીમે હરણીયા ગામેથી ઝડપી પાડ્યો હતો. અલગ અલગ ત્રણ ગુનામાં ફરાર શખ્સને આગળની કાર્યવાહી અર્થે ધજાળા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓ તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની આપેલ સૂચના અનુસંધાને પીઆઈ અપૂર્વ પટેલની રાજબરીમાં પીએસઆઈ પી એન પટેલ, બી સી મિયાત્રા, સી એમ કાંટેલિયાની ટીમો આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન રેન્જ આઇજી સ્કવોડના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગભાઈ પરમારને મળેલી બાતમીના આધારે વિંછીયા પોલીસ મથકના હત્યાનો પ્રયાસ, રાયોટ અને આર્મ્સ એક્ટના ગુનામાં તેમજ સુરેન્દ્રનગરના ધજાળા પોલીસ મથકના ખંડણી અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી જયદીપ ભરત પટગીર (રહે. વિંછીયા, રાજકોટ)ને હરણીયા ગામના ચબુતરા પાસેથી પકડી આગળની કાર્યવાહી અર્થે ધજાળા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ કોર્ટ દ્વારા અલગ અલગ બે ગુનામાં ધરપકડ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું.


