રાજકોટ ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ₹11.22 કરોડની કમાણી
20 રેકના રેકોર્ડ લોડિંગથી નવો કીર્તિમાન સ્થપાયો; પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર અને સિમેન્ટ લોડિંગે ભજવી મહત્વની ભૂમિકા
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા 23 જૂન, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ લોડિંગની આવક મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને આ દિવસે 20 રેકનું લોડિંગ કરીને ₹11.22 કરોડની આવક મેળવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક માલ પરિવહન આવક છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પૂર્વે 27 ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ ડિવિઝને 14 રેકના લોડિંગ દ્વારા ₹10.90 કરોડની આવક મેળવીને તે સમયનો સવોચ્ચ દૈનિક માલ પરિવહન રેકોર્ડ બનાવ્યો હતો. 23 જૂન, 2026ના રોજ 20 રેકના લોડિંગ સાથે ₹11.22 કરોડની આવક મેળવીને ડિવિઝને આ રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, કન્ટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. 23 જૂને કુલ 20 રેકના લોડિંગમાં 8 રેક પેટ્રોલિયમ ઉત્પાદન, 3 રેક એલપીજી, 3 રેક ફર્ટિલાઇઝર, 3 રેક મીઠું, 2 રેક કન્ટેનર અને 1 રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ લોડિંગ રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), ટાટા કેમિકલ્સ લિમિટેડ, વિન્ડમિલ, લવણપુર, મોરબી અને શ્રી દિગ્વિજય સિમેન્ટ સાઇડિંગ જેવા અગ્રણી ઔદ્યોગિક એકમો અને સાઇડિંગ્સ પરથી કરવામાં આવ્યું હતું.
નાણાકીય વર્ષ 2025-26માં રાજકોટ ડિવિઝને માલ પરિવહનમાંથી ₹2238.34 કરોડની આવક મેળવી હતી. એક જ દિવસમાં ₹11.22 કરોડની રેકોર્ડ આવક મેળવીને ડિવિઝને પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રી કાર્યપ્રણાલીનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંબંધિત અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ સફળતા વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો, બહેતર આયોજન, ગ્રાહકો સાથે સતત સંવાદ અને કર્મચારીઓની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ માલ પરિવહન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરીને પશ્ચિમ રેલવેની આવક વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપતું રહેશે.


