કચ્છ જિલ્લામાં કેનાલ અને તળાવમાં ડૂબી જતાં ત્રણના મોત
સ્વજનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, ભૂજ
કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાની બે અલગ અલગ કરૂણ ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રથમ હૃદયદ્રાવક ઘટના રાપર તાલુકામાંથી સામે આવી છે, જ્યાં ફતેહગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે સ્થાનિક યુવકો અકસ્માતે પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તુરંત સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર ફાઇટર્સ અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના વહેતા પાણીમાં યુવકોની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફાયરની ટીમ જ્યારે સફળતાપૂર્વક યુવકો સુધી પહોંચી, ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. બંને યુવકોના શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત નીપજ્યા હતા. ફાયરની ટીમે બંને યુવકોના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા.
કચ્છમાં ડૂબી જવાની બીજી ઘટના સામખિયાળી વિસ્તારમાં બની હતી. જ્યાં તળાવના પાણીમાં એક અજાણ્યો વ્યક્તિ અચાનક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ આ અંગે બૂમાબૂમ કરતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે એક કલાકની ભારે જહેમત અને મથામણ બાદ તે વ્યક્તિના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. એક જ દિવસમાં ત્રણ-ત્રણ મોતના પગલે સમગ્ર કચ્છ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે બંને ઘટનાઓ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


