અંજારના સતાપરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી કંપની ઝડપાઇ
દારૂ, બોટલો સહિત રૂ.૮.૭૯ લાખનો મુદામાલ જપ્ત : બે આરોપીની ધરપકડ
અગ્ર ગુજરાત, અંજાર
કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામે ચાલતી ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેક્ટરી પર પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ આકસ્મિક દરોડો પાડીને એક મોટા ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર બોટલો સહિત કુલ રૂ. 8.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સતાપર ગામે આવેલા એક ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં વિદેશી દારૂ બનાવવાનો ગેરકાયદે પ્લાન્ટ ચાલતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ દ્વારા સસ્તા કેમિકલ અને ફ્લેવરનો ઉપયોગ કરીને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ ભરવાના મશીનો, સીલિંગ મશીન, કેમિકલ અને ડુપ્લીકેટ લેબલવાળી હજારો બોટલો જપ્ત કરી છે.
આ કેસમાં મુખ્ય બે આરોપીઓ સુનિલ શામજી માતા અને રમજાન જુણેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્કમાં વધુ બે લોકો સંડોવાયેલા છે, જેમાં કિશોર વ્યાસ અને રાજેશ પ્રજાપતિ હાલ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.
પૂર્વ કચ્છ એલસીબીની આ સફળ કામગીરી બાદ અંજાર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ફેક્ટરીમાં બનતો દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


