ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
રેન્જ દ્વારા જેસીબી, ડમ્પર અને ટ્રેક્ટર સહિતના છ વાહનો સાથે ચારની અટકાયત
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન હસ્તકના પાનેલી ગામે આવેલ ફુલઝર ડેમ કાંઠેથી પોલીસે મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. અહીંયા સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢતા ઇસમો પર રાજકોટ રેન્જ ટીમે ત્રાટકીને કડક કાર્યવાહી કરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સરકારી સંપત્તિને નુકશાન કરતા શખ્સો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે પી.આઈ. અપૂર્વ પટેલના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. બી.સી.મીયાત્રા અને તેમના સ્ટાફના શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઇ સુવા અને નિકુલભાઇ પંપાણીયાએ ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સના આધારે આ રેડ કરી હતી.
આ ઓપરેશનમાં પોલીસે ઢાંક ગામના મુખ્ય સુત્રધાર ભાયાભાઈ આલાભાઈ બઢ અને કમાભાઇ આલાભાઇ બઢ તથા તેમના અન્ય સાગરીતો એટલે કે વાહનોના ડ્રાઈવરોને વાહનો સાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૧ જેસીબી, ૧ લોડર ટ્રેક્ટર, ૨ ડમ્પર (જેમાં એક નંબર પ્લેટ વગરનું છે) અને ૨ આઇસર ટ્રેક્ટર મળી કુલ ૬ વાહનો જપ્ત કર્યા છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો વાહનોની કુલ કિંમત રૂ. ૬૫,૦૦,૦૦૦/- આંકવામાં આવી છે, જેમાં ૩૦ લાખના બે ડમ્પર અને ૧૫ લાખના જેસીબીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી રૂ. ૫૦,૦૦,૦૦૦/- ની કિંમતનો રેતીનો જંગી સ્ટોક પણ સીઝ કરાયો છે. આમ, પોલીસે કુલ રૂ. ૧,૧૫,૦૦,૦૦૦/- નો મસમોટો મુદ્દામાલ સીઝ કર્યો છે. પકડાયેલા વ્યક્તિઓ અને મુદ્દામાલને આગળની કાયદેસરની દંડનીય કાર્યવાહી માટે ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ખાણખનીજ વિભાગના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે.


