2023માં રીનોવેશન થયેલ આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજ ભયજનક
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાતા હવે તોડી પડાશે: ત્રણ અલગ-અલગ બિલ્ડીંગમાં અભ્યાસ કરવા છાત્રો મજબૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આઝાદી કાળની કોટક સાયન્સ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ભયજનક બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા હતા તે બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી હાલ તેનું કેમ્પસમાં જ આવેલી જુની સોઈલ ટેસ્ટીંગ લેબ અને હાલમાં જે પીજી સેન્ટર તરીકે ઓળખાય છે ત્યાં શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1947માં નિર્માણ પામેલા બિલ્ડીંગનું 2023માં રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તેના ત્રણ વર્ષમાં જ હવે આ બિલ્ડીંગ ભયજનક જાહેર થતા તેને તોડી પાડવામાં આવશે.
જોકે, આ એક જ કોલેજ એવી હશે કે જેના વિદ્યાર્થીઓ અલગ-અલગ ત્રણ બિલ્ડિંગમાં અભ્યાસ કરે છે. આ કોલેજની સ્થાપનાને 79 વર્ષ વીતી ગયાં છતાં સરકાર દ્વારા અલગ કોલેજ બિલ્ડીંગ બનાવી આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
રાજકોટની એચ એન્ડ એચ.બી.કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આર. સી.વીરડીયાએ જણાવ્યું હતું કે, આ કોલેજ 1936 માં ખરેખર ડી. એચ. કોલેજ તરીકે હતી. જે બાદ 10-06-1963 માં એચ એન્ડ એચ.બી.કોટક સાયન્સ કોલેજ તરીકે સ્થાપના થઈ. વર્ષ 1947 માં કોટક કોલેજનું કેમેસ્ટ્રીનું બિલ્ડીંગ બન્યું. જે જૂનું સ્ટ્રક્ચર હોવાથી સુરત RNIT દ્વારા આ બિલ્ડીંગ ને ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. જેને આધારે અમે હાલ શિફ્ટિંગ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં હાલ 713 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2023માં કેમેસ્ટ્રીના બિલ્ડીંગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ, ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડીંગ ભયજનક હોવાનું જાહેર થતા હવે અહીં રહેલો લેબોરેટરી સહિતનો તમામ સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. PG સેન્ટરમાં ચાર રૂમ છે જ્યાં 4 કેમેસ્ટ્રી લેબને શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે ત્યાંના સ્ટાફને ડી.એચ.કોલેજના એક રૂમમાં શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મેથ્સ, સ્ટેટ અને અંગ્રેજીના સ્ટાફ રૂમનું હાલના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
કેમેસ્ટ્રીમાં 102 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે તમામ વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. બોટની અને ઝૂલોજીના વિદ્યાર્થીઓ એડમીન બિલ્ડિંગમાં બેસે છે. જોકે એડમિન બિલ્ડિંગની બાજુમાં બીજું બિલ્ડીંગ રૂ.10.36 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જે 31 જુલાઈ, 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
શહેરના ડી.એચ કોલેજ કેમ્પસમાં આવેલી કોટક સાયન્સ કોલેજ હસ્તકના 18 બિલ્ડિંગ છે. જેમાંથી આ કોલેજના કેમેસ્ટ્રી બિલ્ડીંગ ઉપરાંત નાનજી કાલિદાસ વ્યાયામ શાળા, રેકટર બંગલો, વર્ગ -4 ના 2 ક્વાર્ટર તેમજ સ્ટોર રૂમ ભયજનક જાહેર થતા તેને તોડી પાડવામાં આવશે.


