સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલનો સિક્યુરીટી સુપરવાઈઝર રૂ.૨ હજારની લાંચ લેતા ઝડપાયો
ફરજ પર નિયમીત હાજરી પૂરવા અને નોકરીમાં સમસ્યા ન થાય તે માટે ગાર્ડ પાસે રૂપિયા માંગ્યા હતા
અગ્ર ગુજરાત, સુરેન્દ્નગર
સુરેન્દ્રનગરમાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સરકારી હોસ્પિટલના કર્મચારીઓ જ લાંચ લેતા ઝડપાયા છે. સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલમાં પટાવાળા અને સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ હોસ્પિટલની સુરક્ષામાં તૈનાત અન્ય એક સિક્યુરિટી ગાર્ડ પાસે જ લાંચની ઉઘાડી માંગણી કરી હતી. ફરજ પર નિયમિત હાજરી પૂરવાના અને નોકરીમાં કોઈ તકલીફ ન પડવા દેવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સરકારી કચેરીઓ અને હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઇઝરે સિક્યુરિટી ગાર્ડ પાસે નિયમિત હાજરી પૂરવા માટે માસિક રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. જો કે આ સિક્યુરિટી ગાર્ડ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારનો ભાગ બનવા કે લાંચની રકમ આપવા તૈયાર ન હતા. આથી તેમણે હિંમત દાખવીને આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને તાત્કાલિક લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચિયા કર્મચારીને પકડવા માટે એક મજબૂત છટકું ગોઠવવામાં આવ્યું હતું.
શહેરના વ્યસ્ત ગણાતા જેલ ચોક વિસ્તાર પાસે ગોઠવેલા લાંચના છટકામાં આરોપી આબાદ રીતે ફસાઈ ગયો હતો. ટીબી હોસ્પિટલના પટાવાળા તથા સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિનોદભાઈ કિશોરભાઈ પરમાર જેવો જેલ ચોક પાસે ફરિયાદી સિક્યુરિટી ગાર્ડ પાસેથી લાંચની રકમ સ્વીકારવા પહોંચ્યા, કે તરત જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિનોદભાઈ પરમારની ધરપકડ કરી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.


