શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજના દિવ્ય રાજવી શણગાર
આજે રાત્રે ભવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન : હનુમાનભકતોને લાભ લેવા અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ ઉપર બિરાજમાન તથા BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ સંચાલિત શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ આજે રાજવી વૈભવને ઉજાગર કરતા અતિ દિવ્ય શણગારમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે. લાલ રંગના મનોહર વાઘા, ભવ્ય રાજવી સાફો, લીલા રંગની જરીકામવાળી અંગરખી અને બંને બાજુ લહેરાતો સુવર્ણ પીતાંબર મહારાજના સ્વરૂપને અલૌકિક શોભા અર્પી રહ્યા છે. મોતી અને રત્નજડિત હાર, કુંડળ તથા દિવ્ય આભૂષણોથી શોભિત આ સ્વરૂપ નીલવર્ણ પિછવાઈની મધ્યે અતિ મનમોહક દર્શન કરાવે છે. મહારાજના આ દિવ્ય શણગારના દર્શન ભક્તોના હૃદયમાં ભક્તિ, શ્રદ્ધા અને અડગ વિશ્વાસનો સંચાર કરે છે. આ દિવ્ય સાનિધ્યમાં તા. ૨૭ જૂન, ૨૦૨૬ (શનિવાર) ના રોજ રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ભવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પાઠમાં રેલવે સુંદરકાંડ મંડળના શ્રી ગોપાલ શર્મા તથા તેમના સાથીવૃંદ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે રેલવે સુંદરકાંડ મંડળ વર્ષ ૨૦૧૪થી નિઃશુલ્ક સુંદરકાંડ પાઠની સેવા અવિરત આપી રહ્યું છે અને આ તેમનો ૧૦૦૭મો સુંદરકાંડ પાઠ છે.
મંદિરના (કોઠારી) સાધુ બ્રહ્મતીર્થસ્વામી તથા સર્વે સંતવૃંદ દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના તમામ હરિભક્તો, રામભક્તો અને હનુમાનભક્તોને સહપરિવાર પધારી આ દિવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.


