વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫૦ વર્ષો બાદ વેનેઝુએલામાં અત્યંત વિનાશકારી ભૂકંપ આવ્યો છે અને મળતી માહિતી અનુસાર ૧૮૮ લોકોનાં મોત નિપજયા છે અને ૩૯,૦૦૦ જેટલી વ્યક્તિઓ લાપતા છે. મોટે પાયે જાનમાલની ખુવારી થઇ છે. પૂજ્ય મોરારિબાપુ ની સંવેદનાઓ વૈશ્વિક સ્તરે પહોંચી છે. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ મોટી દુર્ધટના સર્જાય છે તેવે સમયે પૂ બાપુ સહાયતા રાશિ અર્પણ કરતા રહે છે. વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના દર્શાવી પૂ બાપુએ ચિત્રકૂટ ધામ તલગાજરડાથી હનુમંત સંવેદના રુપે રુપિયા ૧૧,૦૦,૦૦૦ અગિયાર લાખની સહાય રાશિ અર્પણ કરી છે. આ સંવેદના રાશિ યુએસએ સ્થિત આઈ આર સી (ઈન્ટરનેશનલ રેસકયુ કમિટિ) ને રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે અને આ સંસ્થા હાલમાં વેનેઝુએલામાં મોટે પાયે રાહતનું કામ કરે છે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


