મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ
રૈયાધાર વિસ્તારમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી નવા શૈક્ષણિક વર્ષની ઉજ્જવળ શરૂઆત માટે પ્રેરણાદાયી પહેલ કરાઈ.
અગ્ર ગુજરાત, રાજકોટ
કહેવાય છે ને કે, “શિક્ષણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે”, પરંતુ જ્યારે ગરીબી અને મજબૂરી આ માર્ગમાં આડે આવે ત્યારે સમાજના સંવેદનશીલ લોકોએ વ્હારે આવવું જ પડે છે. રૈયાધાર વિસ્તારના ઝૂંપડાઓમાં રહીને ખુલ્લી આંખે ભણવાના સપના જોતા માસૂમ બાળકોના જીવનમાં આજે શિક્ષણનો એક નવો સૂર્યોદય થયો છે. તાજેતરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા રૈયાધારમાં કાર્યરત ફ્રી એજ્યુકેશન ક્લાસના જરૂરિયાતમંદ બાળકોની વ્હારે આવીને એક પ્રશંસનીય માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે.
જે વંચિત બાળકો પાસે ક્યારેક પેન્સિલના કટકા કે ફાટેલા પુસ્તકો સિવાય અભ્યાસ માટે કોઈ સાધન નહોતું, તેવા અનેક બાળકોને મેંગોપીપલ પરિવાર તરફથી નવી નક્કોર એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કીટમાં આકર્ષક સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, પેન, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર અને રંગબેરંગી કલર્સ સહિતની તમામ અભ્યાસ ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સામગ્રી હાથમાં આવતા જ બાળકોની આંખોમાં જે અનન્ય ચમક અને ચહેરા પર જે નિર્દોષ સ્મિત જોવા મળ્યું હતું,
આ પ્રસંગે સંસ્થા પ્રમુખ મનીષભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “આ માત્ર વસ્તુઓનું વિતરણ નથી, પરંતુ છેવાડાના વંચિત બાળકોના સપનાઓને પાંખો આપવાનો એક પવિત્ર અને નમ્ર પ્રયાસ છે. આપણી એક નાનકડી મદદ, કોઈકના આખા ભવિષ્યને અજવાળી શકે છે.” સંસ્થાની આ કરુણા અને ઉદારતાને નિલેશભાઈ જોશી, પૂર્વીબેન કવા તથા મોનાબેન રાજવીરે બિરદાવી હતી. સમાજના દરેક વર્ગના બાળકો ભણી-ગણીને આગળ વધે તેવા આશય સાથે કરાયેલું આ પ્રેરણાદાયી કાર્ય અન્ય સંસ્થાઓ માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે.


