ગીર સોમનાથમાં ડેમોની ચિંતાજનક સપાટીને ધ્યાને રાખી ઉદ્યોગોને અપાતા પાણીમાં કાપ મુકવો જરૂરી
ડેમોમાં પીવાના પાણી માટે અનામત જથ્થો જાળવવા સિંચાઈ વિભાગ સતર્ક
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં આ વર્ષે ચોમાસાની અનિશ્ચિતતા અને અલ નીનો વાવાઝોડાની સંભવિત અસર વચ્ચે જીલ્લાના પાંચેય મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. દેશભરમાં વરસાદની અછત વચ્ચે જિલ્લામાં પણ હજુ સુધી સંતોષકારક વરસાદ નોંધાયો નથી જેના કારણે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જયેશ કારાવદરાના જણાવ્યા મુજબ જિલ્લામાં હિરણ-1, હિરણ-2, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ એમ પાંચ મુખ્ય સિંચાઈ યોજનાઓ કાર્યરત છે. હાલની સ્થિતિ મુજબ હિરણ-1 ડેમમાં 28.65 ટકા, હિરણ-2 ડેમમાં માત્ર 19.45 ટકા, શિંગોડા ડેમમાં 32.35 ટકા, મચ્છુન્દ્રી ડેમમાં 39.33 ટકા અને રાવલ ડેમમાં 67.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ગણાતા એવા વેરાવળ સોમનાથ જોડીયા શહેર અને બે મોટા ઉદ્યોગોને પાણી પુરી પાડતા હિરણ-2 ડેમની સ્થિતિ ચિંતાજનક છે. ગત વર્ષે આ જ સમયે ડેમમાં 26.42 ટકા પાણીનો જથ્થો હતો, જ્યારે હાલ માત્ર 19.45 ટકા જ પાણી બચ્યું છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે જૂન મહિનામાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નોંધાતા જળસંગ્રહમાં વધારો થયો હતો પરંતુ આ વર્ષે હજુ સુધી મેઘરાજાએ પૂરતી કૃપા વરસાવી નથી.
હિરણ-2 ડેમ પરથી ઇન્ડિયન રેયોન, જીએચસીએલ જેવા બે મોટા ઔદ્યોગિક એકમો ઉપરાંત વેરાવળ સોમનાથ અને સુત્રાપાડા પાલિકા, વેરાવળ ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજના, ચોરવાડ જૂથ પાણી પુરવઠા યોજના, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તાલાલા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓને પાણી પૂરું પાડવામાં આવે છે. દર મહિને આશરે 11.944 MCFT પાણી ઉદ્યોગો દ્વારા ઉપાડવામાં આવે છે, જ્યારે 26.651 MCFT પાણી પીવાના ઉપયોગ માટે ફાળવવામાં આવે છે.
સિંચાઈ વિભાગના અંદાજ મુજબ હાલ ઉપલબ્ધ જળનો જથ્થો 31 જુલાઈ સુધી પૂરતો રહી શકે છે. જો કે જુલાઈ અને ઓગષ્ટ દરમ્યાન પણ વરસાદ ખેંચાય અથવા સામાન્ય કરતાં ઓછો રહે તો સ્થિતિ ઝડપથી વિકટ બની શકે છે. ત્યારે ખેડૂતો, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા તંત્ર માટે પડકારો વધવાની શક્યતા છે.
કાર્યપાલક ઈજનેર જયેશ કારાવદરાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો અલ નીનોની અસરને કારણે વરસાદમાં વધુ વિલંબ થશે તો સૌપ્રથમ પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. આવશ્યકતા ઉભી થાય તો ઉદ્યોગોને આપવામાં આવતા પાણીના જથ્થામાં કાપ મૂકી પીવાના પાણી માટે અનામત જથ્થો જાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં મગફળી, કપાસ અને ડાંગર જેવા ખરીફ પાકોના વાવેતર માટે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. બીજી તરફ જળાશયોના ઘટતા સ્તરોએ પાણી વ્યવસ્થાપનને લઈને ચિંતાની ઘંટડી વગાડી દીધી છે. હવે સમગ્ર જિલ્લામાં સૌની નજર આગામી દિવસોમાં વરસનારા વરસાદ પર ટકેલી છે, કારણ કે મેઘરાજાની મહેરબાની જ આ સંભવિત જળસંકટને ટાળી શકે તેમ છે.


