મનપાનો અનોખો પ્રોજેકટ! મોબાઇલથી દૂર રાખવા રમકડાં ગ્રંથાલયનો કરાયો પ્રારંભ
રમકડા, બોર્ડ ગેમ્સ, પઝલ્સ, વૃડન ટોયઝ અને ટોયઝનો વિશાળ સંગ્રહ : રૂ.૨૦માં બાળકો લઇ શકશે સભ્યપદ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજના ડિજિટલ અને સ્ક્રીન ટાઈમના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમનો માનસિક વિકાસ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો છે. ઘરમાં ગમે તેટલા રમકડાં હોય, પરંતુ બાળકોને હંમેશા રોજ કંઈક નવું જ રમકડું જોઈતું હોય છે. વાલીઓની આ ચિંતાનો ઉત્તમ ઉકેલ લાવવા માટે મનપા સંચાલિત ટોય્ઝ લાઈબ્રેરીમાં ૨થી ૧૪ વર્ષ સુધીના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં, બોર્ડ ગેમ્સ, પઝલ્સ, વુડન ટોય્ઝ અને સોફ્ટ ટોય્ઝનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે. અહીં તમે તમારા બાળકની મેમ્બરશિપ દ્વારા માત્ર ૨૦ રૂપિયાના માસિક ભાડામાં બાળકોને રૂ.૫૦૦થી ૩,૦૦૦ સુધીના મોંઘા રમકડાં મળી રહે છે.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ લાયબ્રેરીયન સુનિલ દેત્રોજાના જણાવ્યા અનુસાર, રાજકોટમાં કોર્પોરેશન સંચાલિત લાઈબ્રેરીના૧૭ યુનિટ છે, જેમાંથી ૭ વાંચનાલય, એક મહિલાઓ માટેનું સ્પેશિયલ વાંચનાલય, ગાંધીમ્યુઝિયમ લાઈબ્રેરી, બે ફરતા પુસ્તકાલય અને છ મેઈન લાઈબ્રેરી છે. આ તમામ લાઈબ્રેરી જાહેર રજા તેમજ શનિવાર-રવિવારના દિવસે પણ ચાલુ રહે છે. રાજકોટમાં ટોય્ઝ લાઈબ્રેરીની શરૂઆત વર્ષ ૧૯૮૯માં પ્રભા દેવી લાઈબ્રેરીથી કરવામાં આવી હતી. હાલમાં મનપા સંસાલિત શહેરમાં ચાર પુસ્તકાલયોમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી રમકડાં બેંકની સેવાઓ કાર્યરત છે. અહીં બાળકોને દર અઠવાડિયે એક નવું રમકડું રમવા માટે આપવામાં આવે છે, જે બાળકોમાં ઉત્સાહ અને નવો આનંદ જગાડે છે.
હાલમાં બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલય સાધુવાસવાણી રોડ, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય શ્રોફ રોડ, પ્રભા દેવી નારાયણ પુસ્તકાલય કેનાલ રોડ, અને ચાણક્ય પુસ્તકાલય પેડક રોડ ખાતે આ સુવિધા ઉપલબ્ધ છે. ચારેય લાઈબ્રેરીના મળીને અંદાજે ૧૧ હજાર સભ્યો છે અને કુલ ૧૫ હજારથી વધુ રમકડાંનો સંગ્રહ છે. રમકડું ઘરે લઈ જવા માટે સાત દિવસની મર્યાદા છે, જો રમકડું જમા કરવવામાં એક વીકથી વધુ સમય લાગે તો પાંચ રૂપિયા પેનલ્ટી ફી રાખવામાં આવી છે. લાઈબ્રેરીની ખાસિયત એ છે કે, જો કોઈ બાળકોને કોઈ ચોક્કસ રમકડું જોઈતું હોય અને તે ઉપલબ્ધ ન હોય, તો વાલીઓ અને બાળકોની ખાસ ડિમાન્ડ પર તે રમકડું મગાવી આપવાની પણ સુવિધા છે.


