પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
ગંગા H20 નથી, ગંગા જળ અમૃત છે, ગંગા મૈયા અમૃતમયી છે
પરમાત્માનો શ્રેષ્ઠ સાદ એટલે વરસાદ
મૂળથી સ્વાભાવિક નીંદક હોય એ કોઇ દી ન સુધરે!
ઉત્તરાખંડની નૈસર્ગિક તીર્થભૂમિ અને ગંગામૈયાના પરમપવિત્ર પ્રવાહના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય’ ગઇકાલે બીજા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાના પ્રેમમય સંવાદને આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું હતું કે કંઠોપનિષદનો એક મંત્ર છે. આપ સૌ પણ બોલજો.
યદા સર્વે પ્રમુચ્યં તે કામાયસ્ય કુદિષિતા:
અથ મૃત્યોમૃતો ભવતિ યત્ર બ્રહ્મ સમ સ્મૃતે
એટલે આ મંત્રનો સરળ અર્થ એ છે કે જયારે આપણા હૃદયમાં રહેલી બધી જ કામનાઓનો અંત આવી જાય, આપણો કામનાઓ ખતમ થઇ જાય ત્યારે મૃત્યુ અમૃતમાં પરિવર્તીત થઇ જાય છે અને માણસ બ્રહ્મની પ્રાપ્તી કરી શકે છે. વ્યકિત બ્રહ્મમય થઇ શકે છે. પણ આપણા મન-હૃદયમાં રહેલી આ સાત કામનાઓ નષ્ટ થઇ જાય તો જ મૃત્યુ અમૃતમય બની શકે. આપણી અંદર કઇ કઇ સાત કામનાઓ રહેલી છે. (૧) મનોકામના (૨) પુત્રકામના-પુત્રેષણા (3) ધન-પૈસાની કામના એટલે કે વિતેષણા (૪) પ્રસિધ્ધની કામના-લોકેષણ (૫) વિજયની કામના (૬) સ્વાતંત્ર્યની કામના અને (૭) કામના મુકત કામના. કોઇ બૃધ્ધપુરૂષ કે સાધુ આ સઘળી કામના મુકત કામના માર્ગ પર જાય તો પરિવાર કામનાઓ રાખે છે એટલે આ માર્ગે મુશ્કેલીઓ તો આવે છે.
ચૈતન્ય મહાપ્રભુજીએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણકિર્તન ભકિતમાં સમર્પિત કરી દીધું તો પણ તેને જીવનના ઉત્તરાર્ધમાં બધાથી ધીમે-ધીમે દૂર થતા ગયા. જગન્નાથજીના મંદિરના એક ખૂણામાં થાંભલો પકડીને એ ખૂબ રડતા. એમના આશ્રિતોને પણ મળવાનું બંધ કર્યુ ત્યારે સૌ ભકતો-આશ્રિતોએ ચૈતન્ય મહાપ્રભુને પૂછયું કે કેમ તમે અમારાથી દૂર થતા જાવ છો? ત્યારે ચૈતન્ય કહે છે કે હું આખુ જીવન ધૂમ્યો છું. મારૂ સમગ્ર જીવન હરિ કિર્તનના પ્રસારમાં આપી દીધું. મારી માતા અને મારી પત્ની વિષ્ણુ પ્રિયા એ મારી ખૂબ સેવા કરી છે પણ હું એવું અનુભવું છું કે આટ આટલું કરવા છતાં લોકો દ્વવેષ, નિંદા, ઇર્ષા કેમ છોડતા નથી? પરિવારોમાં અને સમાજમાં જોઉ છું તો દરેક જગ્યાએ સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ જ દેખાય છે! ચૈતન્ય મહાપ્રભુ જેવાની અંતે આ સ્થિતિ હતી. એટલે જે જે મહાપુરૂષો આવ્યા છે એ પ્રત્યેકની આ અનુભૂતિ છે કે પછી એ ધીમે-ધીમે લોકોથી દૂર રહે છે!
પં.જગન્નાથજીએ વિધર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. એ કાળમાં સમાજે લોકોએ કવિ જગન્નાથજીનો ખૂબ કરેલો થોડાંક વર્ષો બાદ જગન્નાથજીને અફસોસ થાય છે અને એ પ્રાયશ્ચિત રૂપે ગંગા ઘાટે આવે છે અને ગંગાની સાક્ષીએ ‘ગંગા લહેરી’નું સર્જન કરે છે. હમણા જગદીશ ત્રિવેદી આવેલા. એમણે એક સરસ પ્રસંગ કહ્યો જે હું આપને પ્રસાદરૂપે વહેંચુ : એક ખૂબ જ સમૃધ્ધ સમર્થ રાજા હતો. પણ એને દીકરો નથી. કોઇએ રામજીને કીધું કે તમારા નગરમાંથી કોઇ બાળકનું બલિદાન આપો તો તમારે ત્યાં દિકરો થશે. રાજાએ નગરમાં જાહેરાત કરાવી કે કોઇ બાળકનું બલિદાન કરવાનું છે. જે પરિવાર બાળક આપશે એને અડધું રાજય ભેટ આપવામાં આવશે. તો નગરમાં એક પરિવારને આઠ સંતાનો હતા અને પરિવાર ખૂબ જ ગરીબ હતો. પરિવારે વિચાર્યુ કે એક બાળક વધ માટે રાજાને આપી દઇએ તો આપણી ગરીબી દૂર થઇ જાય. એટલે એક બાળક રાજાને વધ-બલિદાન માટે આપે છે. રાજાએ બાળકને એની અંતિમ ઇચ્છા પૂછી તો બાળકે કહ્યું કે મારે માટીના ચાર ઘર બનાવવા છે. બકડીયા (પાત્ર)માં માટી લઇ અને બાળકે માટીના ચાર ઘર બનાવ્યાં અને પછી એમાંથી ત્રણ માટીના ઘર પોતાના જ પગથી તોડી નાંખ્યા! રાજાને અને સૌને આશ્ચર્ય થયું કે બાળકે આમ કેમ કર્યુ? પછી રાજાએ બાળકને પૂછયું કે તે આમ કેમ કર્યુ? બાળક જવાબ આપે છે કે પ્રથમ ઘર બનાવીને તોડયું એ મારા પરિવારનું ઘર હતું કેમ કે પોતાના સ્વાર્થ માટે એ મારૂ બલિદાન કરાવે છે એટલે મારો પરિવાર પણ મારો નથી. એટલે એ તોડી નાખ્યું., બીજું ઘર એ સમાજ છે એણે પણ મારા પરિવારને સમજાવ્યો નહી એટલે એ સમાજરૂપી ઘર મેં તોડયું, ત્રીજું માટીનું ઘર એ તમારૂ ઘર બનાવ્યું. તમે રાજા છો, તમારે પ્રજાનું પાલન કરવાનું હોય એને બદલે તમારા તમારા નીજી સ્વાર્થ માટે મારૂ બલિદાન કરાવો છો એટલે એ ત્રીજું તમારૂ ઘર મેં તોડી પાડયું છે. અને આ ચોથું ઘર પરમાત્માનું ઘર છે એ જ મારે માટે હવે તો સાચું છે એટલે એ પરમાત્માના ઘરમાં હું રહીશ. બાળકની વાત સાંભળી રાજા ધ્રુસકે-ધ્રુસકે રડયો, બાળકની ક્ષમા માંગી અને કહ્યું કે હવે તું જ મારો દીકરો અને અડધું રાજય નહી આખા રાજયનો તું જ ઉત્તરાધિકારી છો.
શાસ્ત્રોમાં કોણ-કોણ મરેલા છે અને કોણ-કોણ અમર છે? ની વાત સમજાવી છે. આ ચૌદ લોકોને એ જીવતા હોય તો પણ મરેલા જાણવા અને સાથે સાથે એથી ઉલ્ટું હોય તો એ અમર છે. (૧) વામમાર્ગી-એટલે કે આખી દુનિયાથી વિપરીત જ હોય ઉલ્ટો જ હોય એ મરેલો છે. જયારે મધ્યમ માર્ગી અમર છે (૨) અત્યંત કામી માણસ મરેલો છે. કામવશ હોય એ મરેલો છે. પણ રામવશ હોય એ અમર છે (3) કૃપણ-લોભી હોય એ મરેલો છે પણ જેની દ્રષ્ટિ ઉદાર હોય, સંકિર્ણ ન હોય એ અમર છે (૪) મૂઢ-મૂર્ખ હોય એ મરેલો જાણવો પણ પરમાત્માના ગુઢ રહસ્યો ને જે જાણે તે અમર છે (૫) અતિ ગરીબ મૃતક છે પણ અત્યંત ઉદાર હોય એ અમર છે (૬) બદનામી હોય એ મરેલો છે પણ સુપશ હોય તે અમર છે (૭) અત્યંત વૃધ્ધ હોય એ મરેલો છે પણ વૃધ્ધત્વમાં ભીતરી સાધનામાં કાયમ યુવાન હોય એ અમર છે (૮) નિરંતર રોગી-રોગગ્રસ્ત એ મરેલો જાણ્યો પણ જેને પ્રભુપ્રેમના પરમ રોગ લાગ્યો હોય એ અમર છે (૯) નિરંતર ક્રોધી હોય એ મરેલો છે પણ જે સતત બોઘી હોય એ અમર છે. અખંડ બોધ જેને થયો હોય એ અમર છે (૧૦) વિષ્ણુ વિરોધી હોય એ મરેલો છે પણ વિષ્ણુ ઉપાસક અમર છે (૧૧) વેદ-સાધુનો વિરોધી હોય એ મરેલો છે પણ વેદ-સાધુનો આદર કરે અમર છે. શ્રૃતિનો આદર કરે તે અમર છે (૧૨) તન પોષક એટલે કે માત્ર શરીર કેન્દ્રી હોય એ મૃતક છે પણ સર્વનો વિચાર કરે તે અમર છે, અમૃત લોકમાં બધાનો સર્વ હિતનું જે વિચારે છે તે અમર છે (૧3) નિંદક મૃતક છે. પણ જે નીંદા કરે એને પણ વંદન કરે છે તે અમર છે. મૂળમાંથી જે સ્વાભાવિક નીંદક હોય જે કદી સુધરે નહીં તે મૃતક છે. ખરાબ સંગતને કારણે જે નિંદક હોય એ સુધરી શકે છે. (૧૪) પાપની ખાણ હોય એ મૃતક છે પણ જે પુણ્યશ્લોક છે એ અમર છે. તો શાસ્ત્રો એ ચીંધેલા આ ચૌદ લોકો જીવતા હોય તોય એને મરેલા જાણવા.
કથારત્નો
(૧) એક છોકરો એની માને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો જે મા છોકરાને અનાથશ્રમમાંથી લઇ આવી હતી!! – માયાભાઇ આહિર
(૨) ગુરૂવર!- તમને મારાવંદન હું આરસીઓ પથ્થર તમે ઘસાતુ ચંદન – કિશોર બારોટ
(3) સ્વતંત્રતા એ મારો જન્મસિધ્ધ અધિકારી હક્ક છે – લોકમાન્ય તિલક
(૪) તીર્થોમાં આપણે યાત્રિક બનીને આવીએ, વેપારી બનીને નહીં
(૫) એક બાળકને તેના પપ્પાએ પૂછયું કે કેમ આજે સ્કૂલે નથી ગયો? બાળક : કાલે સ્કૂલમાં મારૂ વજન કરેલું , પિતા: તો એમાં શું કાલે વજન કર્યુ એટલે સ્કૂલે નહી જવાનું? બાળક બોલ્યો : આજે મને વેંચી નાંખે છે તો?!!!
(૬) એક જલેબીનો વેપારી, બટેટાનું શાક લઇ જાવ, શાક લઇ જાવ એવી જાહેરાત કરતો હતો, એક ભાઇએ પૂછયું કે એલા, તું જલેબીનો વેપારી છો અને બટેટાનું શાક લઇ જાવ એવી જાહેરાત કેમ કરે છે? ત્યારે વેપારી બોલ્યો : માખી ન આવે ને એટલે!!!


