લોધીકામાં ગૌચર જમીન કૌભાંડમાં ભાજપ નેતાના મનસૂબા પર કલેકટરે મારી બ્રેક
જમીન દફતર દ્વારા અગાઉ કરાયેલો વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક અસરથી રદ
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધીકા ગામમાં સરકારી ગૌચર અને ખરાબાની કરોડો રૂપિયાની 6 એકર કિંમતી જમીન પચાવી પાડવાના ભાજપ નેતાના કથિત કારસા ઉપર રાજકોટ જિલ્લા કલેક્ટર બેક મારી છે. લોધીકા ગ્રામ પંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને માન્ય રાખીને કલેક્ટરે નાયબ નિયામક (જમીન દફ્તર) રાજકોટ દ્વારા અગાઉ કરવામાં આવેલો વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે.
લોધીકા ગામના નવા સર્વે નંબર 423 અને 428 ની ખાનગી જમીનોમાં રી-સર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણાના નામે નાયબ નિયામક જમીન દફ્તર દ્વારા ભાજપ આગેવાનની તરફેણ કરી વર્ષ 2023 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે ખાનગી ખાતેદારોની જમીનની નવી માપણી એવી રીતે ગોઠવી જુની શરતની ખેતીની જમીન ખરીદ કરી છે.
મહિલા સદસ્યના પતિ મુકેશભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે, બન્ને સર્વે નંબરવાળી ખેતીની જમીન ટીપ્પણવાળી અને જુની શરતની જમીન છે. આ જમીન 2024 માં કમલેશભાઈ મુળુભાઈ વરૂ પાસેથી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરી હોવાથી જમીનના માલિક અને કબ્જેદાર બનેલ છીએ.
સરકારી જમીનના કમલેશભાઈ વરૂ, અજ્યભાઈ બાલધા, રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ અને ભાજપના આગેવાન મુકેશભાઈ તોગડીયા અને કૌશિકભાઈ કમાણીએ ગૌચર અને ખરાબાની જમીન દબાવી ખાનગી માપણીશીટ બેસાડી આખું કારસ્તાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.
તેઓએ ખોટા રેકોર્ડ બનાવી ગૌચર અને ખરાબાની જમીન દબાવી ખાનગી માપણીશીટ બેસાડી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. લોધીકા ગ્રામ પંચાયતે કલેક્ટરને ફરિયાદ કરી આક્ષેપ કર્યો હતો કે, ખાનગી પક્ષકારો અને સરકારી અધિકારીઓની મિલીભગતથી મૂળ ટીપ્પણ અને નકશાઓ સાથે છેડછાડ કરીને સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.


