રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો
શાળાઓ વધતા વિભાજન થયેલી કચેરીઓનું કામ હળવું કરવા નવા ઝોન પાડવા છતાં રાજકોટ DEO પર ભારણ યથાવત્
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટા જિલ્લાઓમાં વહીવટી ભારણ ઘટાડવા માટે નવી 6 જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ મોટા જિલ્લાઓની કચેરીઓનું વિભાજન કરી ગ્રામ્ય અને વિસ્તારવાર કચેરીઓ બનાવી છે. જે માટે હવે નવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ DEO તરીકેના શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. 6 જેટલી નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઇન્ચાર્જ DEOની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગર શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગવાન પ્રજાપતિને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણાધિકારી મુકેશકુમાર પાંડેને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો સુરત ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સુરત શહેર જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કચ્છ અંજાર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો રાજકોટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાજકોટ શહેર જિલ્લા દીક્ષિત પટેલને વધારાનો ચાર્જ શિક્ષણ વિભાગ દ્વારા સોંપવામાં આવ્યો છે.
ગત ડિસેમ્બરમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાગજન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છ જિલ્લાને અંજાર પૂર્વ અને કચ્છ ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનું વિભાજન કરી શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1551 સ્કૂલમાંથી ગ્રામ્ય DEO કચેરીમાં 590 સ્કૂલ અને શહેર DEO કચેરીમાં 961સ્કૂલ રાખવામાં આવી છે.
શાળાઓ વધતા વિભાજન કરાયું
ખાનગી શાળાઓ ખૂબ જ વધી રહી હોવાથી અત્યારની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પર કામનું ભારણ ખૂબ વધી ગયું હતું. જેથી હવે અત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરીને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. નવી ઊભી થયેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારીઓને ખાલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.


