કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી
DEOની કડક કાર્યવાહી: નિયમ મુજબ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ
અગ્ર ગુજરાત, કચ્છ
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાની અસર હવે ખાનગી શિક્ષણ ક્ષેત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગે લઘુત્તમ વિદ્યાર્થી સંખ્યાના નિયમોનું પાલન ન કરતી 45 ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાની 23 ખાનગી માધ્યમિક અને 22 ખાનગી પ્રાથમિક શાળાઓને નિયમ મુજબ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસ બાદ સંબંધિત શાળા સંચાલકોને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે.
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, લાંબા સમયથી કેટલીક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડ કરતાં ઘણી ઓછી નોંધાઈ રહી હતી. સ્થળ તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને વિવિધ નિયમોની સમીક્ષા બાદ સ્પષ્ટ થયું કે આ શાળાઓ લઘુત્તમ વિદ્યાર્થી સંખ્યાની શરતો પૂર્ણ કરતી નથી. જેના આધારે હવે શાળા બંધ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી હેઠળ અંજાર, ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, માંડવી, ભચાઉ, નખત્રાણા, અબડાસા અને પદ્ધર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓની ખાનગી માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. અંજાર તાલુકાની સારસ્વત વિદ્યાલય, હેપ્પી વેલી પબ્લિક સ્કૂલ, નવરચના પબ્લિક સ્કૂલ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), માનવ રચના એકેડેમી અને ટ્વિંકલ સ્ટાર સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તે જ રીતે મુન્દ્રા તાલુકાની જ્ઞાનધારા વિદ્યાલય, વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ અને સાંદીપનિ ઋષિ વિદ્યાલય, ગાંધીધામની અંબે ભવનાથ હાઈસ્કૂલ અને મારુતિ માધ્યમિક શાળા, ભચાઉની નવજીવન વિકલાંગ સેવાશ્રય સ્કૂલ, નલિયાની દિલ્હી પબ્લિક સ્કૂલ, નખત્રાણાની ધ વ્હાઈટ ઈગલ સ્કૂલ, માંડવીની શારદાનિકેતન સેકન્ડરી સ્કૂલ, ભુજની રોટરી AMM પ્રિ-સેકન્ડરી સ્કૂલ, સેન્ટ મેરી સ્કૂલ, TLC ગુરુકુળ, વર્ધમાન વિદ્યાલય, સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ સહિત અન્ય શાળાઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માત્ર માધ્યમિક જ નહીં પરંતુ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પણ 22 ખાનગી શાળાઓ સામે સમાન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં અંજારની સિક્સ સ્ટાર પ્રિ-સ્કૂલ, એસ.ટી. સ્ટેપીસ સ્કૂલ, એચ.આર. પબ્લિક સ્કૂલ, વાયબ્રન્ટ ઇન્ડિયા પબ્લિક સ્કૂલ, પ્રગતિ વિદ્યામંદિર અને ક્રિષ્ના પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીધામ, ગળપાદર, મીઠીરોહર, નલિયા, કોઠારા, મિરજાપર, કેરા, દેશલપર અને કુકમા સહિતના વિસ્તારોમાં આવેલી અનેક ખાનગી પ્રાથમિક શાળાઓને પણ નિયમ મુજબ નોટિસ પાઠવવામાં આવી છે.
આ નિર્ણય બાદ અસરગ્રસ્ત શાળાઓના સંચાલકો તેમજ વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો શાળાઓ બંધ થશે તો ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને નજીકની માન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે


