પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે
તા.૧૧-૧૨ જૂન ૮ અધિકારીઓ ગામડાઓ ખૂંદશે, સ્થાનિકો સાથે જ કરશે રાત્રી રોકાણ
ગ્રામજનો અને જવાનો સાથે બેઠક કરશે : બોર્ડર પેટ્રોલીંગ, સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે
અગ્ર ગુજરાત, કચ્છ
સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે. રાજ્યના 8 સિનિયર IPS અધિકારીઓ આગામી 11 અને 12 જૂને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે અને સ્થાનિક લોકોના ઘરે જ રાત્રિ રોકાણ કરીને સરહદી જીવનની વાસ્તવિક સ્થિતિ જાણશે.
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ માત્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતવાનો અને તેમની સમસ્યાઓને નજીકથી સમજવાનો પણ છે. અધિકારીઓ ગ્રામજનો સાથે બેઠકો કરશે, તેમના પ્રશ્નો સાંભળશે તેમજ દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે.
આ મુલાકાત દરમિયાન રાત્રિના સમયે બોર્ડર પેટ્રોલિંગ, સુરક્ષા એજન્સીઓની કામગીરી, સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ અને સ્થાનિક સ્તરે મળતા ઇનપુટ્સની પણ સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને સરહદી ગામોમાં સુરક્ષા અને વિકાસ વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તે દિશામાં સૂચનો એકત્ર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ વિભાગ આ અભિયાનને માત્ર પ્રોટોકોલ આધારિત મુલાકાત તરીકે નહીં પરંતુ “ગ્રાઉન્ડ ઝીરો ફીડબેક મિકેનિઝમ” તરીકે જોઈ રહ્યો છે. સરહદ પર રહેતા લોકો અને સુરક્ષા તંત્ર વચ્ચે વધુ સંકલન ઉભું થાય અને કોઈપણ પડકાર સામે ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અંતરિયાળ સરહદી વિસ્તારોમાં રાજ્ય પોલીસનું ટોચનું નેતૃત્વ આ રીતે લોકો વચ્ચે જઈને રાત વિતાવશે, જેના કારણે સુરક્ષા સાથે જનવિશ્વાસ મજબૂત કરવાનો સંદેશ પણ જશે.
જવાબદારી સોંપવામાં આવેલ અધિકારીઓની યાદી
- ADGP વાબંગ જમીર, વાવ – થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે.
- ADGP અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ
- IGP બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા
- DIGP એ. એમ. મુનિયા વાવ – થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
- DIGP કે. એન. ડામોર જુના અને દેઢીયા ગામ
- DIGP ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર
- ACP આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ
- DIGP સુધા એસ. પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે.


