જેતલસર પાસે કારની ટક્કરે નેપાળી યુવાનનું મોત
રાજકોટ-સોમનાથ હાઈ-વે પર બનેલો અકસ્માત
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર જેતપુર પાસેના જેતલસર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે ક્રોસ કરી રહેલા એક યુવાનને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, જેતલસર ગામે હાઇવે પર આવેલી ‘વ્રજવાટિકા હોટેલ’માં નેપાળી યુવાન વિરુભાઈ ઓલી કામ કરતો હતો. તે હોટેલના કામકાજ અર્થે અથવા અંગત કામથી હોટેલ પાસે હાઇવે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે પૂર ઝડપે દોડી આવતી અજાણી કારના ચાલકે તેને જોરદાર અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે યુવાન હાઇવે પર ફંગોળાઈ ગયો હતો.
કારની ટક્કરથી વિરુભાઈ ઓલીને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માતની આ બનાવની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લોકટોળાને ખસેડીને ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહને તાત્કાલિક કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતી. આ મામલે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.


