હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ
ધાર્મિક વિધિઓ વિના મેરેજ સર્ટીફિકેટના આધારે હિન્દુ લગ્નને માન્યતા આપી શકાય નહી : હાઇકોર્ટ
હિન્દુ પરંપરામાં લગ્ન એક એવો સંસ્કાર છે જે બે વ્યકિતઓને જ નહી પરંતુ બે પરિવારોને જીવનભર સંબંધમાં બાંધે છે
અગ્ર ગુજરાત, અમદાવાદ
હિન્દુ મેરેજ એક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ‘માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા મળી શકતી નથી. જો હિન્દુ મેરેજ એક્ટ મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું ન હોય તો આવા લગ્ન કાયદાની નજરમાં માન્ય ગણાશે નહીં.’
જસ્ટીસ ઈલેશ વોરા અને જસ્ટીસ આર.ટી. વછરાણીની ખંડપીઠે નોંધ્યું કે, ‘મેરેજ સર્ટિફિકેટ માત્ર વિધિવત રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો છે, તે પોતે લગ્નને કાયદેસર બનાવતું દસ્તાવેજ નથી. લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટની કલમ-7 હેઠળ બંને પક્ષોના માન્ય રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન અનિવાર્ય છે.’
કોર્ટે વધુમાં જણાવ્યું કે, ‘જો બંને પક્ષોની પરંપરામાં સપ્તપદી (સાત ફેરા)નો સમાવેશ થતો હોય તો વર-કન્યાના સાતમા ફેરા પૂર્ણ થયા બાદ જ લગ્ન સંપૂર્ણ અને કાયદેસર રીતે સંપન્ન ગણાય છે. કલમ-7માં ઉપયોગમાં લેવાયેલા “સંપન્ન” શબ્દનો અર્થ તમામ જરૂરી વિધિઓ સાથે પૂર્ણ થયેલા લગ્ન એવો થાય છે.’
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, ‘લગ્નની આવશ્યક ધાર્મિક વિધિઓ વિના માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકાય નહીં. આ ચુકાદાથી હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નની ધાર્મિક વિધિઓનું કાનૂની મહત્ત્વ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.’
હાઇકોર્ટે પોતાના અવલોકનમાં વધુમાં જણાવ્યું કે હિંદુ પરંપરામાં લગ્નને માત્ર કાનૂની ઔપચારિકતા તરીકે જોઈ શકાય નહીં. તે એક એવો સંસ્કાર છે જે બે વ્યક્તિઓને જ નહીં પરંતુ બે પરિવારોને પણ જીવનભરના સંબંધમાં બાંધે છે. લગ્ન એક નવા પરિવારની શરૂઆતનો પાયો છે અને તેની સાથે અનેક જવાબદારીઓ અને સામાજિક ફરજો જોડાયેલી હોય છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, વ્યક્તિએ લગ્ન જેવા મહત્વપૂર્ણ સંબંધમાં પ્રવેશ કરતાં પહેલાં તેના સામાજિક, ધાર્મિક અને કાનૂની પાસાઓને સમજવા જોઈએ. લગ્નને માત્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા સુધી મર્યાદિત રાખવાથી હિંદુ લગ્ન વ્યવસ્થાની મૂળભૂત ભાવના અને પરંપરાનું મહત્વ ઘટી શકે છે.
શું હતો સમગ્ર કેસ?
ઉપલબ્ધ વિગતો અનુસાર, આ મામલો વિદેશમાં રહેતા એક વ્યક્તિ સાથે સંકળાયેલો હતો. અરજદારનો દાવો હતો કે તેની સાથે કોઈ પરંપરાગત લગ્ન વિધિ યોજવામાં આવી નહોતી અને તેની જાણ બહાર કેટલાક દસ્તાવેજો પર સહી કરાવીને મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેના મતે, કોઈ ધાર્મિક વિધિ, લગ્ન સમારંભ કે સામાજિક રીતે સ્વીકાર્ય લગ્ન પ્રક્રિયા ક્યારેય યોજાઈ નહોતી. કેસની સુનાવણી દરમિયાન મહિલાએ પણ ફેમિલી કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે પરંપરાગત હિંદુ વિધિ અનુસાર લગ્ન થયા નહોતા. એટલું જ નહીં, બંને ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નહોતા અને વૈવાહિક જીવન પણ શરૂ થયું નહોતું. તેમ છતાં, ફેમિલી કોર્ટે માત્ર લગ્નના રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રના આધારે પુરુષની અરજી ફગાવી દીધી હતી.
હિંદુ મેરેજ એક્ટની કલમ 7 શું કહે છે?
ગુજરાત હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 7નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ કલમ અનુસાર, હિંદુ લગ્નને માન્ય ગણાવવા માટે સંબંધિત સમાજ, કુટુંબ અથવા સમુદાયની પરંપરા મુજબની જરૂરી વિધિઓ પૂર્ણ થવી આવશ્યક છે. જો કોઈ સમુદાયમાં સપ્તપદી અથવા સાત ફેરાની પરંપરા અમલમાં હોય, તો સાતમો ફેરો પૂર્ણ થયા પછી જ લગ્નને પૂર્ણ અને કાયદેસર રીતે માન્ય ગણવામાં આવે છે. આ જોગવાઈ દર્શાવે છે કે હિંદુ લગ્ન માત્ર દસ્તાવેજી પ્રક્રિયા નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓ સાથે જોડાયેલો એક સંસ્કાર છે.
ચૂકાદા પર કાનૂની નિષ્ણાંતોની પ્રતિક્રિયા
કાનૂની નિષ્ણાતોના મતે ગુજરાત હાઇકોર્ટનો આ નિર્ણય ભવિષ્યમાં આવા અનેક વિવાદાસ્પદ કેસોમાં માર્ગદર્શક બની શકે છે. ખાસ કરીને એવા કેસોમાં જ્યાં લગ્નના રજિસ્ટ્રેશન તો થયા હોય પરંતુ પરંપરાગત વિધિઓ યોજાઈ હોવાના પુરાવા ઉપલબ્ધ ન હોય, ત્યાં આ ચુકાદો મહત્વપૂર્ણ કાનૂની આધાર પૂરું પાડશે. આ નિર્ણય એ પણ સ્પષ્ટ કરે છે કે, હિંદુ લગ્નની માન્યતા માટે માત્ર દસ્તાવેજી નોંધણી પૂરતી નથી, પરંતુ કાયદા હેઠળ નિર્ધારિત ધાર્મિક અને પરંપરાગત વિધિઓનું પાલન કરવું એટલું જ જરૂરી છે.


